ડીસા પાલિકામાં કમિટીઓના ચેરમેનોએ ચાર્જ સંભાળ્યો
ડીસા નગરપાલિકામાં વિવિધ કમિટીઓની રચના થયા બાદ કમિટીઓના ચેરમેનોએ પોતાનો ચાર્જ સંભાળ્યો હતો અને ચાર્જ સંભાળતા જ કમિટીના ચેરમેનોએ બિન ભ્રષ્ટાચાર અને રૂપિયો લીધા વગર લોકોના કામ કરવાની બાહેધરી આપી હતી. જો કે ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં ચાર્જ ગ્રહણ વખતે મોટાભાગના ભાજપના સભ્યો ગેરહાજર રહેતા રાજકીય વર્તુળોમાં તરેહ તરેહની ચર્ચા થઈ રહી છે.
આ તમામ વિવાદો વચ્ચે પાલિકાના કારોબારી ચેરમેન રવિભાઈ ઠક્કર, સ્વચ્છતા સમિતિના ચેરમેન મંજુલાબેન કિરણભાઈ રાવળ, ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન ચેતનભાઇ ત્રિવેદી, બાંધકામ સમિતિના ચેરમેન ઉષાબેન ભદ્રેશભાઈ મેવાડાએ ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. જોકે બાકીની સમિતિઓના ચેરમેનોએ પોતાનો ચાર સંભાળ્યો ન હતો. આ ઉપરાંત સમિતિઓના ચેરમેનોના ચાર્જ ગ્રહણ વખતે ભાજપના મોટાભાગના સભ્યો ગેરહાજર રહ્યા હતા. જેથી પાલિકામાં ફરીથી જૂથવાદ ચરમ સપાટીએ પહોંચ્યું હોય તેવું લાગી રહ્યું છે.
સવારમાં કમિટીઓના ચાર્જ સંભાળ્યા બાદ ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન ચેતન ત્રિવેદી, કારોબારી ચેરમેન રવિ ઠક્કર અને સેનિટેશન વિભાગના ચેરમેન મંજુલાબેન રાવળે જણાવ્યું હતું કે, ભાજપે તમારી પર વિશ્વાસ મૂકી જે જવાબદારી સોંપી છે તે અમે વિશ્વાસથી નિભાવીશું અને અમારી ફરજ બની જાય છે કે અમે પણ શહેરના વિકાસમાં અમારું પૂરું યોગદાન આપીએ અને જે લોકોની સમસ્યાઓ અને પ્રશ્નો ઉકેલાયા નથી તેને ઉકેલી લોકોની સુખાકારી માટે અમે પૂરા પ્રયાસો કરીશું. તેમજ બિન ભ્રષ્ટાચાર અને રૂપિયો લીધા વગર કામ કરવાની ચેરમેનોએ બાંહેધરી આપી હતી.