પાલનપુર એરોમા સર્કલ ટ્રાફિક સમસ્યાનો હંગામી ઉપાય અગાઉ ટ્રાફીક સિગ્નલની નિષ્ફળતા

બનાસકાંઠા
બનાસકાંઠા

અગાઉ ટ્રાફીક સિગ્નલની નિષ્ફળતા : કાયમી ઉકેલને બદલે હંગામી ઉકેલની વેતરણમાં વહીવટી તંત્ર સર્કલ ઉપર ઓવર બ્રિજ અને બાયપાસ બનાવાય તો જ ચક્કાજામ ટ્રાફીક સમસ્યા હલ થાય તેમ છે સરહદી બનાસકાંઠાના જિલ્લા મુખ્યાલય પાલનપુર શહેરના પ્રવેશદ્વાર સમાં એરોમાં સર્કલ પર ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી જાય છે. જોકે, તંત્ર -રાજકીય સત્તાધીશોની ટૂંકી દ્રષ્ટિને કારણે ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલને બદલે નિતનવા ગતકડાં કરી હંગામી ઉકેલ માટે વિવિધ અખતરા પ્રજાના પૈસે કરવામાં આવી રહ્યા છે. અગાઉ લાખોના ખર્ચે લગાવેલ ટ્રાફિક સિગ્નલની નિષ્ફળતા બાદ હવે તંત્ર દ્વારા વધુ એક અખતરો કરતા એરોમાં સર્કલ તોડી પાડી કરોડો રૂપિયાના ખર્ચે લેફ્ટ સાઈડ ડેડીકેટેડ લેન બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે.

પાલનપુર શહેરના એરોમા સર્કલ પર તો ટ્રાફિકની સમસ્યા શિરદર્દ રૂપ બની છે. એરોમા સર્કલનો રાઉન્ડ મોટો બનાવાયો હોવાથી વાહન ચાલકોને ખૂબ મુશ્કેલી પડતી હતી. સર્કલ મોટું હોવાને લીધે રોજબરોજ ટ્રાફિક જામની વરવી સ્થિતિ જોવા મળી રહી છે. જોકે, આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સર્કલ પર બ્રિજ બનાવવાની અને બાયપાસ કરવાને બદલે તંત્ર હંગામી ઉપાયો અજમાવતું હોઈ પ્રજા ત્રસ્ત બની છે. અગાઉ ટ્રાફિક સિગ્નલની નિષફળતા બાદ હવે એરોમાં સર્કલ તોડવાની તજવીજ હાથ ધરાઈ છે. જોકે, તંત્રના હંગામી અખતરાઓ સામે બળાપો ઠાલવતા પ્રજાજનોએ એરોમાં સર્કલ પર ઓવર બ્રિજની સાથે બાયપાસની કામગીરી કરી તેનો ઝડપી અને કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે.

એરોમાં સર્કલ ભૂતકાળ બની જશે: ટ્રાફિક સમસ્યાને નાથવા માટે તંત્ર દ્વારા પ્રજાના પૈસે વધુ એક અખતરો કરતા એરોમા સર્કલ તોડી પાડવાનો નિર્ણય લેવાયો છે. પાલનપુર શહેરમાં એરોમા સર્કલ તોડીને રૂપિયા 6.96 કરોડના ખર્ચે વિસ્તૃતિકરણ અને સુધારો કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં એરોમા સર્કલ આગળના લોખંડના પાર્કિંગમાં રાખેલા બંને શેડ હટાવી દેવામાં આવ્યા છે તેમજ ફૂટપાથ તોડવા માટે બ્લોક કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સર્કલ આજુબાજુ આવેલા હાઇવેના વિસ્તારને ચારે બાજુથી પહોળો કરાશે, તેમજ આબુ હાઇવે તરફ જવાના માર્ગને 7.50 મીટર પહોળો કરાશે તેમજ જેટકો કચેરી આગળ તેમજ સર્કિટ હાઉસ આગળનો ભાગ તોડી પાડવામાં આવ્યો છે.

લેફ્ટ સાઈડ ડેડીકેટેડ લેન બનશે: એરોમા સર્કલના અપગ્રેડશન અને ઇમ્પ્રુવમેન્ટની કામગીરી માટે ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરીને કામગીરી માટેનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. એરોમા સર્કલને ચારે બાજુથી વિસ્તૃતિકરણ કરવા ઉપરાંત લેફ્ટ સાઈડ ડેવલપ કરવા તેમજ બસપોર્ટ સુધી રોડ પહોળો કરવાની કામગીરી કરવામાં આવશે. હાલ જે સર્કલ છે તેને સંપૂર્ણ કાઢી નાખવામાં આવશે અને સિગ્નલ આધારિત ટ્રાફિક કામગીરી હાથ ધરવામાં આવશે. એરોમા સર્કલ કાઢી નાખી સિગ્નલો મુકવામાં આવશે. વાહનો સર્કલ પર ટ્રાફિક સિગ્નલને અનુસરીને આગળ વધશે. સર્કિટ હાઉસ આગળનો કેટલોક બગીચો અને થોડો પાર્કિંગ વિસ્તાર કપાત કરી સર્વિસ રોડ વધુ પહોળા કરાશે. ઉપરાંત બસપોર્ટ આગળની ફૂટપાથ કાઢી નાખવામાં આવશે. આથી સિટીમાં પ્રવેશવાનો માર્ગ વધુ પહોળો બનશે.

એરોમાં સર્કલ દેશનું 22 મુ હાઈએસ્ટ ટ્રાફિક જંકશન: પાલનપુર હાઇવે એરોમાં સર્કલ દેશનું 22 મું હાઈએસ્ટ ટ્રાફિક જંકશન હોવાનો દાવો કરતા પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે પણ પાલનપુરમાં ટ્રાફિકની જટિલ સમસ્યા હોવાનો એકરાર કરતા તેના કાયમી નિવારણ માટે બાયપાસની કામગીરી પ્રગતિમાં હોવાનું જણાવી હંગામી ઉકેલ માટે લેફ્ટ સાઈડ ડેડીકેટેડ લેનનું કામ ચાલુ હોવાનું જણાવ્યું હતું. જોકે, 11 માર્ચથી એસ.એસ.સી. અને એચ.એસ.સી.ની બોર્ડની પરીક્ષા દરમિયાન ટ્રાફિકને લઈને છાત્રોને કોઈ તકલીફ ન પડે તે માટે તંત્રને સૂચનાઓ આપવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.