થરાદના પ્રાચિન જાગેશ્વર મહાદેવના મંદિરે વિશેષ પુજાઓ કરાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદના શિવાલયોમાં હર હર મહાદેવ અને ૐ નમઃ શિવાયના નારા ગુંજી રહ્યા છે. થરાદના અનેક શિવાલયો પૈકી થરાદ શહેરના મધ્યે આવેલા જાગેશ્વર મહાદેવ શિવ મંદિરની વિશેષ મહિમા છે. આ મંદિર અંદાજે બસો વર્ષ પુરાણું તેમજ એક ઐતિહાસિક ધરોહર છે.આ મંદિરની સ્થાપના થરાદના રાજવી અભેસિંહ દ્વારા કરવામાં આવી હતી. આ મંદિર સાથે થરાદના રાજવીની શિવ ભક્તિનો ઉજળો ઇતિહાસ સંકળાયેલો છે. થરાદના રાજવી અભેસિંહ કે જેઓ શિવજીના પરમ ઉપાસક હતા અને તેઓ દર બેસતા વર્ષે કાશી વિશ્વનાથના દર્શને વારાણસી જતા. આ પરંપરા મુજબ એક વખત તેઓ કાશી વિશ્વનાથના દર્શને વારાણસી ગયા, તેઓ પહોંચ્યા ત્યારે મોડુ થઈ ગયું હતું એટલે મંદિરના દ્વાર બંધ થઈ ગયા હતા. રાજા અભેસિંહજી ત્યાંજ મંદિર પરિસરમાં બેસી રહ્યા અને શિવભજન કરવા લાગ્યા. દરમિયાન મોડી રાત્રે કોઇ યોગી આવ્યા અને તેમને એક શિવલિંગ આપ્યું, શિવલિંગ આપ્યા પછી એ યોગીએ કહ્યું કે, હવે થરાદથી આટલે દૂર આવવાની જરુર નથી. તમે આ શિવલિંગની પુજા કરજો, તે પુજાને ભોળાનાથ સવિકારી લેશે. એ સમયે મધ્ય રાત્રિએ મંદિરના પૂજારીને પણ ભોળાનાથે સ્વપ્નમાં આવીને કહ્યું હતું કે, મારા પરમ ભક્ત રાજવી મારા દર્શન કરવા આવ્યા છે, વહેલી સવારે તેમને દર્શન કરાવજો તેમજ તેમના હાથે મારી આરતી તથા પૂજા કરાવજો.


રાજવી અભેસિંહજીએ યોગીના આગમન પછી મનોમન પ્રાર્થના કરી કે, હે ભોળાનાથ આ શિવલિંગ મને મળવા પાછળ તમારી કૃર્પા હોય તો મને એ બાબતનો વધુ એક પ્રમાણ આપો, નહિતર આ ઘટનાને હું કોઇ સંયોગ માત્ર માનીશ. આ પ્રાર્થના પછી વહેલી સવારે તેઓ ગંગા સ્નાન કરવા ગયા. ગંગા સ્નાન કરતી વેળાએ તેમને બીજો એક શિવલિંગ ગંગા નદીમાંથી મળ્યો. હવે અભેસિંહને શિવજી પ્રસન્ન થયાનો અહેસાસ થયો અને તેઓ શિવનામ રટણ કરતા કરતાં પુનઃ થરાદ આવ્યા. યોગી દ્વારા અપાયેલ શિવલિંગને તેમણે થરાદ રાજગઢીમાં સ્થાપિત કર્યો અને ત્યાં તેઓ પૂજા કરવા લાગ્યા. ગંગામાંથી મળેલા શિવલિંગને તેમણે થરાદ નગરમાં સ્થાપિત કર્યું અને ત્યાં ભવ્ય મંદિર બનાવ્યું. પોતાને જાગૃત કર્યા હોવાથી આ મહાદેવનું નામ જાગેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું હતું. આ મંદિર તૈયાર થયા પછી તે મંદિર થરાદના દેવજી પીતામ્બર તરવાડીને પૂજા અર્ચના કરવા આપ્યું હતું. એ પરંપરા હાલ બસો વર્ષ વીત્યા પછી પણ ચાલી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.