
થરાદમાં ભુગર્ભ ગટરમાં મૃત્યુ પામેલા સફાઇ કામદારને ન્યાય માટે આવેદનપત્ર અપાયું
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત રાજ્ય દ્વારા નગરપાલિકાના સફાઇ કર્મચારીનું ગટરમાં ઉતારી સફાઇ કરાવતાં મોત નિપજ્યું હોવાનું જણાવી સરકારની બેદરકારીથી આ મોત નિપજ્યાનો આક્ષેપ કરી મૃતકના પરિવારને ન્યાયની માંગણી કરતું રાષ્ટ્રપતિને આવેદનપત્ર થરાદ પ્રાંતના માધ્યમથી આપવામાં આવ્યું હતું. જેમાં જવાબદારો સામે પગલાં ભરવાની પણ માંગણી કરવામાં આવી હતી. થરાદમાં ગુરુવારે નાયબ કલેકટરને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં થરાદ નગરપાલિકાની ભુગર્ભ ગટરમાં સફાઇ કામદાર ઉમેશભાઇ યાદવના ગેસ ગળતરના કારણે થયેલા મોત બાબતે આપવામાં આવેલા આવેદન પત્રમાં સદસ્યનું અકારણે મોત નિપજ્યું તેની સામે તપાસ કરવા અને બેદરકારી દાખવતા અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી. તેમજ હકીકતમાં મૃતકના નજીકના સગા પાસે જે નિવેદન લેખાવી લેવામાં આવ્યું છે તે હકીકતની વિરુદ્ધ નું છે, ગટરમાં પડી જવાથી નહિ પરંતુ ગટરમાં સફાઇ માટે ઉતરનાર સફાઈ કર્મીનું ગુંગળાઈ જવાથી મોત નિપજ્યું હોવાનો ચોંકાવનારો આક્ષેપ પણ કર્યો હતો.