ડીસામાં તાવ શરદીના વાયરલ કેશોમાં નોંધપત્ર વધારો મિશ્ર ઋતુના કારણે રોગચાળો વકર્યો
આ વર્ષ શિયાળા દરમિયાન પણ થયેલા કમોસમી વરસાદી માવઠાના કારણે લોકો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે આ માવઠાએ ખેતીના પાકોને નુકશાન કરવા સાથે વાયરલ રોગોમાં પણ નોધપાત્ર વધારો કર્યો છે. તેમાં પણ તાવ, શરદી, શરીરના દુખાવાના કેસો વધ્યા છે વાયરલ કેસોને લઇ ડીસા સિવિલ પણ દર્દીઓથી ઉભરાઈ ઉઠી હતી. સામાન્ય દિવસોમાં સિવિલમાં 100 થી 150 જેટલા તાવ શરદીના સામાન્ય કેસો નોંધાતા હતા ત્યારે હાલમાં 500 ઉપર જેટલા તાવ શરદીના વાયરલ કેશો સામે આવી રહ્યા છે જોકે હાલમાં મિશ્ર ઋતુના કારણે આ રોગચાળો વકર્યો છે તેવું તબીબોએ જણાવ્યું છે.
આ બાબતે સિવિલના સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં મિશ્ર ઋતુ જેવો માહોલ છે દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. આ ઉપરાંત વરસાદી માવઠાના પગલે પણ પાણી જન્ય રોગચાળો વકર્યો છે અને લોકો તાવ, શરદી અને શરીરના દુખાવાની ફરિયાદ લઈ આવી રહ્યા છે ત્યારે હાલમાં મિશ્ર ઋતુને લઇ તબિયત સાચવવાની જરૂર છે બજારના ઠન્ડા, વાસી ખોરાક ના લેવા જોઈએ આ ઉપરાંત ઠંડા પદાર્થો નું સેવન ટાળવું જોઈએ.