પાલનપુરમાં રસ્સાથી ભત્રીજાએ મોત ન થાય ત્યાં સુધી કાકાનું ગળું દબાવ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

કહેવત છે કે જર જમીન અને જોરૂ, ત્રણેય કજીયાના છોરૂ… એટલે કે પૈસો, જમીન અને સ્ત્રી આ ત્રણેય ઝઘડા થવાના મુળ કારણ હોય છે. જેમાં કેટકેટલાય પરિવાર વિખેરાઇ ગયા છે. ત્યારે આવો જ એક બનાવ સામે આવ્યો છે પાલનપુરના સાંગલા ગામથી…જ્યાં જમીન વિવાદમાં ભત્રીજાએ સગા કાકાની હત્યા કરી છે. જોકે, આ ઘટનામાં હત્યારો લાશનો નિકાલ કરે એ પહેલાં જ સગા ભાઇએ પોલીસને ફોન કરીને વાતની જાણ કરતાં પોલીસે તુરંત હત્યારાને લાશ સાથે રંગેહાથ ઝડપી લીધો છે.સંબંધોમાં હત્યાની આ ચોંકાવનારી ઘટના અંગે મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના વડા મથક પાલનપુરના સાંગલા ગામમાં રહેતા મુળજીભાઈ ભુતડિયા અવિવાહિત હતા. જે પોતાના ભાઇના છોકરાઓ સાથે રહેતાં હતા. કાકા અવિવાહિત અને જમીન ધરાવતાં હોવાથી તેમના ભત્રીજા ગોવા સાથે એમને અવારનવાર ઝઘડાઓ થતાં હતા.


કાકા મુળજીભાઇ જમીન વેચી મારશે તો એવી શંકાએ ગોવાએ કાકાનું કાળશ કાઢવાનું મનોમન નક્કી કરી લીધુ હતું, પણ એકલા હાથે હત્યાને અંજામ આપતાં તે ડરતો હતો. જેથી તેણે પોતાના ભાગીયા (ખેતરમાં કામ માટે રાખેલો મજૂર) ચેલા ભગોરાને આ બાબતે વાત કરતાં જણાવ્યું હતું કે, મારો કાકો જમીન બાબતે મારી જોડે અવાર નવાર ઝઘડાઓ કરે છે હવે એનું કંઇક કરવું પડશે. આમ ભાગીયા સાથે મળીને કાકાની હત્યા કરવાનું ગોવાએ નક્કી કરી લીધુ હતું અને ગઇકાલે ગોવાએ પોતાના ભાગીયા સાથે મળી કાકા મુળજી ભુતડિયાનું રસ્સા વડે ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી.કાકાની હત્યા બાદ લાશને બંનેએ નાની ભટામલ ગામ નજીક દાંતીવાડા ડેમમાં નાખવાનું નક્કી કર્યું હતું. ગોવાએ પોતાની માલિકીની કારમાં ચેલા સાથે મળીને કાકાની લાશને મૂકી હતી અને બંને ડેમમાં લાશ નાખી દેવા માટે નીકળી ગયા હતા. જોકે, આ ઘટનાની જાણ ગોવાની પત્નીએ તેમના જેઠ એટલે કે ગોવાના મોટાભાઇ ચેલાભાઇ ભૂતડિયાને કરતાં ચેલા ભૂતડિયાએ તુરંત પોલીસને ફોન કરીને આ બાબતની જાણકારી આપી હતી.ચેલા ભુતડિયાએ પોલીસને જાણ કરતાં જ પોલીસની ટીમ તત્કાલિક નાની ભટામલ ગામની પાસે આવેલા દાંતીવાડા ડેમની સીમ પાસે પહોંચી ગઇ હતી. જ્યાં બંને આરોપી લાશનો નિકાલ કરવા આવતાં જ રંગેહાથ ઝડપી લીધા હતા. હાલ પોલીસે ચેલા ભૂતડિયાની ફરિયાદના આધારે બંને આરોપીઓને ઝડપીને આગળની તપાસ હાથ ધરી છે.આ અંગે DySP જીગ્નેશ ગામીએ જણાવ્યું હતું કે, આરોપી ગોવાને જમીન બાબતે તેના કાકા મુળજીભાઇ ભુતડિયા સાથે વારંવાર ઝઘડો થતો હતો. જેમાં મુળજી ભુતડિયા જમીન વેચી મારશે એવી શંકાએ ગોવાએ પોતાના ભાગીયા સાથે મળીને ગઇકાલે તેના કાકાની હત્યા કરી હતી. જોકે, તેના ભાઇએ પોલીસને જાણ કરતાં પોલીસે લાશનો નિકાલ કરે એ પહેલાં જ બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.