ડીસા વાસીઓને હીટવેવ થી બચાવવા નગરપાલિકાના પુરતા પ્રયાસો : લુ થી બચવાની સૂચનાઓ આપતા હોર્ડિંગ્સ
રાજ્યના સૌથી વધુ તાપમાન ધરાવતા ડીસા શહેરમાં ગરમીનો પારો બે વર્ષનો રેકોર્ડ તોડીને 45 ડિગ્રીની પાર પહોંચી ગયો છે. ત્યારે ડીસા વાસીઓને હીટવેવ થી બચાવવા નગરપાલિકા પણ પુરતા પ્રયાસો કરી રહી છે. શહેરમાં પ્રથમ વખત નગરપાલિકા દ્વારા લુ થી બચવાની સૂચનાઓ આપતા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં ગરમીનું એલર્ટ આપી દેવાયું છે ત્યારે, રાજ્યમાં સૌથી ગરમ શહેર ગણાતા ડીસામાં ગરમીનો પારો બે વર્ષનો રેકોર્ડ તોડીને 45 ડિગ્રી ઉપર પહોંચી ગયો હતો. હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લાને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયો છે. ત્યારે ડીસાવાસીઓને ગરમીથી બચાવવા ડીસા નગરપાલિકા દ્વારા પણ પૂરતા પ્રયાસો કરાઈ રહ્યા છે. ડીસા શહેરમાં ગાયત્રી મંદિર અને મુખ્ય ફુવારા સર્કલ પાસે મુસાફરો માટે છાયડા ની વ્યવસ્થા તેમજ પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરવાનું આયોજન કરાયું છે.
આ ઉપરાંત શહેરીજનોને હીટ વેવથી બચવા કેવા પ્રકારની કાળજી લેવાવી જોઈએ અને લુ થી બચવા શું કરવું જોઈએ તેની જાગૃતિ આવે તે માટે શહેરમાં પાલિકા દ્વારા પ્રથમ વખત ઠેર ઠેર હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. સામાન્ય રીતે આ રીતની સૂચના આરોગ્ય વિભાગ દ્વારા અપાતી હોય છે પરંતુ ડીસા પાલિકાએ પ્રથમ વખત પહેલ કરી છે. ડીસા પાલિકા પ્રમુખ સંગીતાબેન દવેએ કાળજાળ ગરમીમાં લોકોને ખાસ કામ સિવાય ઘરની બહાર ન નીકળવા તેમજ આરોગ્ય વિભાગ અને પાલિકા દ્વારા અપાયેલ સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે.