
ઉમંગ મોલ અને પશુ સારવાર માટે બીવીએસ એપનો શુભારંભ
વિશ્વમાં શ્વેતક્રાંતિ ક્ષેત્રે રેકોર્ડ રચનાર અને લાખો પશુપાલકોને આર્ત્મનિભર તેમજ સક્ષમ બનાવનાર બનાસ ડેરીએ ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વ હેઠળ બનાસકાંઠા જિલ્લાની આઠ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે નવનિર્મિત ઉમંગ મોલની શરૂઆત કરી છે તેમજ પશુઓની સારવાર માટે બનાસ વેટનરી સેવા (બનાસ પશુ સારવાર) મોબાઈલ એપ્લીકેશન બનાવવામાં આવી છે, જેનું ઈ-લોકાર્પણ ચેરમેનના શુભહસ્તે કરવામાં આવ્યું હતું. બનાસ ડેરી સાથે જોડાયેલ લાખો પશુપાલક આ બનાસ વેટનરી સેવા એપ્લીકેશનનો ઉપયોગ કરીને ઘરે બેઠા બેઠા પોતાના બીમાર પશુની સારવાર માટેની વિઝીટ નોધાવી શકશે તેમજ એજ પશુપાલક પોતાના ઘરની નજીકથી જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ વિવિધ ખરીદીના વિકલ્પો સાથે ઉચ્ચ ગુણવતા અને વ્યાજબી ભાવે ખરીદી શકે એ ઉદેશ્ય સાથે બનાસ ડેરીએ જિલ્લાના અલગ અલગ ગામોમાં ઉમંગ મોલની શરૂઆત કરી છે.ચેરમેન શંકરભાઈ ચૌધરીના શુભહસ્તે લોકાર્પણ કરાઈને બનાસકાંઠા જિલ્લામાં શુભારંભ કરવામાં આવ્યો છે.
જીવન જરૂરિયાતની શ્રેષ્ઠ ચીજવસ્તુઓ- સામગ્રી સસ્તા ભાવે ઘર આંગણે જ આપવાનો ઉદ્દેશ્ય
જિલ્લાના પશુપાલકો, ખેડૂતો અને ગામમાં રહેતા લોકોને જીવન જરૂરિયાતની શ્રેષ્ઠ ચીજવસ્તુઓ- સામગ્રી સસ્તા ભાવે તેમના ઘર આંગણે જ આપવા અને એમના પૈસા એમની પાસે જ પરત આવે સાથે બનાસકાંઠા જિલ્લાના ઉત્પાદનમાંથી બનતી વસ્તુઓ બનાસડરીના નામ સાથે ઉમંગ મોલમાં જ પેકિંગ થઇ વેચાય એવા હકારાત્મક અભિગમ સાથે બનાસડેરીએ જિલ્લાના માંડલા, ઉત્તમપુરા (ડાંગીયા), પૂર્વધાખા, પટેલવાસ (મા), લક્ષ્મીપુરા (ધોતા), શિહોરી, બાપલા અને ગોસણ ગામમાં ઉમંગ મોલ શરુ કરાયા છે.
પશુપાલકોને સમૃદ્ધ બનાવવામાં મદદરૂપ થશે : શંકરભાઈ
ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે હવે એ સમય ગયો કે પશુપાલક-ખેડૂતને રોકડા લઈને બજારમાં ખરીદી કરવા જવું પડે, હવે ઉમંગ મોલમાં જઈને ખરીદી કરીને પોતાનો મેમ્બર કોડ આપવાનો અને બિલ ઓટોમેટિક દૂધના બેલેન્સની સામે એડજસ્ટ થઇ જશે, એજ રીતે જિલ્લામાં પશુધનને સમયસર સારવાર મળી રહે એ માટે બનાસ વેટનરી સેવા એપ્લીકેશનની શરૂઆત કરાઇ છે, જે ભવિષ્યની જરૂરિયાત હતી. ઉમંગ મોલ હોય કે બનાસ પશુ સારવાર એપ, બંને જિલ્લાના પશુપાલકોને સમૃદ્ધ બનાવવામાં મદદરૂપ થશે.