બનાસકાંઠામાં ખરવા-મોવાસા રોગે હાહાકાર મચાવ્યો
બનાસકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવ્યાયને વરેલો છે. આ જિલ્લામાં એક મોટો વર્ગ છે, જે પશુપાલન થકી પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે આ જિલ્લામાં મોટા ભાગનાં ગામડાંમાં પશુઓમાં ખરવા-મોવાસા નામનો રોગ ફેલાયો છે. એમાં પશુઓના (ખાસ કરીને ભેંસોનાં)ટપોટપ મોત થઇ રહ્યાં છે, જેના કારણે પશુપાલકોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે.થરાદના ઝેટા, મલુપુર, વજેગઢ અને પડદર સહિત કેટલાંક ગામોની મુલાકાત લઇ પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને પશુપાલકો સાથે વાતચીત કરી હતી, જેમાં કેટલાક પશુપાલકો એવા મળ્યા હતા, જેમનું ઘર જ પશુઓ પર ચાલતું હતું અને એ પશુઓ મોતને ભેટતાં હવે ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે. આ અંગે જમડા ગામના સરપંચે સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આની રજૂઆત કરી છે.પોતાના ગામની સ્થિતિ વર્ણવતાં જેટા ગામના સરપંચ જિતાભાઇએ જણાવ્યું હતું કે અમારા ગામની સ્થિતિ ખૂબ જ ભયજનક છે. છેલ્લા એક મહિનાથી અહીં ખરવા-મોવાસા નામનો રોગ ફાટી નીકળ્યો છે, જે કાબૂમાં જ નથી આવતો. અહીં ડોક્ટરોની ટીમો આવી, જેમના જણાવ્યા મુજબ અમે પશુઓની સારવાર પણ કરાવી છતાં આ રોગ અટકવાના બદલે દિવસે ને દિવસે વધી રહ્યો છે. અમારા ગામમાં એક મહિનામાં 400થી 500 પશુ મરી ગયાં છે. ગામના સરપંચ વતી મારી ડોક્ટરોની ટીમોને વિનંતી છે કે અહીં આવીને અમારાં પશુઓને બચાવો.
પશુઓનાં મોત અંગે મલુપુર ગામના સરપંચ ઇશ્વરભાઇ જણાવે છે, અમારા ગામની સ્થિતિ ખૂબ ખરાબ છે. ઘરદીઠ એક-બે પશુઓ બીમાર છે, જ્યારે 400થી વધુ પશુઓનાં મોત થઇ ચૂક્યાં છે. અમુક પશુપાલકે તો પોતાના એક-બે નહીં, છ સાત પશુ ગુમાવ્યાં છે. જે પશુપાલક ડેરીએ 50-50 લિટર દૂધ ભરાવતો હતો, એ હવે માંડ 10 લિટર ભરાવી શકે છે, જેના કારણે દૂધના પગારમાં ઘટાડો થઇ ગયો છે અને પશુપાલકોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. જો સરકાર આ પશુપાલકોને કંઇક સહાય કરે તો પશુપાલકો બેઠા થઇ શકે અને આ રોગના નિયંત્રણ માટે પણ સરકાર જલદી પગલાં લે એવી મારી વિનંતી છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં પશુપાલક જબલબેન જણાવે છે, મારે નવ જેટલાં પશુઓ હતાં, જેમાંથી ચાર પશુઓ બીમાર હતાં, જેમણે મોઢા જ ન ખોલ્યાં અને મોતને ભેટ્યાં છે. અમારે દૂધનો દર પંદર દિવસે 30થી 40 હજાર પગાર આવતો હતો, જે હવે સાવ બંધ થઇ ગયો છે, જેના કારણે આર્થિક પરિસ્થિતિ વણસી ગઈ છે.આ અંગે નિયામક પશુપાલન અધિકારી સી.જે. મજેઠિયાએ જણાવ્યું હતું કે આજે મેં જેટા ગામની મુલાકાત લીધી છે. અહીં ખરવા-મોવાસા નામના રોગના લીધે પશુઓનાં મોત થઇ રહ્યાં છે. અમારી ટીમે રસીકરણની કામગીરી શરૂ કરી દીધી છે. આ ઉપરાંત અન્ય ગામોમાં પણ અમારી ટીમો રસીકરણની કામગીરી કરશે, જેના લીધે આ રોગ આગળ વધતો અટકે.. હું ગામમાં આવ્યો તો મને જાણ થઇ કે મોટા પ્રમાણમાં પશુઓનાં મોત થયાં છે.સામાન્ય ઠંડી શરૂ થતાં ગાય, ભેંસ અને બળદ જેવાં પશુઓ ખરવા-મોવાસાના રોગમાં સપડાય એવી શક્યતા વધી જતી હોય છે. ખરવા-મોવાસાને લઇ પશુની દૂધ ઉત્પાદનક્ષમતા ઘટવાની સાથે કેટલાક કિસ્સાઓમાં પશુ મરણની ઘટના પણ ઘટતી હોય છે. આવા સમયે પશુપાલકો થોડી સાવચેતી રાખે તો તેમનાં પશુઓને ખોરવા-મોવાસાના રોગથી બચાવી શકે છે.ખરવા-મોવાસા પિકોર્ના જાતિના વાઇરસથી થતો રોગ છે. વાઇરસમાં એપીથેલિયોટ્રોપિક હોવાથી તમામ પશુના એપીથેલિયલ કોષો એટલે કે જીભ, ચામડી, અન્નનળી, આંતરડાંમાં રહે છે અને વૃદ્ધિ પામે છે. વાઇરસ રોગિષ્ટ પશુની લાળ અને અન્ય સ્ત્રાવોમાં જોવા મળે છે. રોગની શરૂઆતમાં પશુને 103થી 105 ડિગ્રી ફેરેનહીટ તાવ આવે છે, જેને લઇ પશુઓના મોઢામાંથી ખૂબ લાળ પડવાની સાથે બેથી ત્રણ દિવસમાં જીભ પર, તાળવા પર, હોઠના અંદરના ભાગે ફોલ્લા પડી ચાંદાં પડે છે. કેટલીક વાર પગની ખરીમાં પણ ચાંદાં પડે છે, જેને લઇ દુધાળાં પશુઓની 25 ટકા દૂધ ઉત્પાદન ક્ષમતા ઘટી જાય છે. કેટલાક કિસ્સામાં તો પશુ મરણ થતાં હોઇ પશુપાલકોને નુકસાન વેઠવાનો વારો આવે છે.