અંબાજી મંદિરમાં માઈભક્તોએ રોકડ સહિત સોના-ચાંદીની ભેટ માતાજીને ધરી
શક્તિપીઠ અંબાજી મંદિર કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે દેશ-વિદેશથી કરોડો માઇભક્તો મા અંબાના દર્શનાર્થે આવે છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરને સોનાથી મઢવાની કામગીરી ચાલી રહી છે. શક્તિપીઠ અંબાજી મંદિરમાં ગુજરાત નહિ પણ ભારતભરના લોકો પગપાળા કે મોટર માર્ગે અંબાજી દર્શાનર્થે પહોંચે છે. જેમની સંખ્યા ઉપર નજર કરીએ તો માત્ર ભાદરવી પૂનમના સાત દિવસના મેળામાં જ 40 લાખ જેટલા શ્રદ્ધાળુઓ અંબાજી દર્શને પહોંચ્યા હતા. માઈભક્તો પોતાની શ્રદ્ધા અનુસાર માતાજીને રોકડ રકમ સહિત સોના-ચાંદીના દાગીનાઓ ભેટ સ્વરૂપે દાનમાં આપે છે.માઈભક્તો પોતાની શ્રદ્ધા અને ભક્તિભાવ સ્વરૂપે માતાજીનો ભંડાર પણ છલકાવી દીધો હતો. આ દિવાળીની સિઝનમાં અંબાજી મંદિરમાં 1 કરોડ 33 લાખ ઉપરાંત છૂટક હાથે નાખેલા રોકડ રકમ દાનમાં આવ્યા હતા. આ ઉપરાંત અન્યભેટ પૂજા ગણીએ તો મંદિરને ભેટમાં સોનાની પાટ, સોનાની લગડીઓ, ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની પાવતી ભેટ મળીને કુલ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને આ દિવાળીની સિઝનમાં દાગીના અને રોકડ રકમ મળીને કુલ રૂપિયા 2.68 કરોડ ઉપરાંતની દાનભેટ મળવા પામી છે.
હાલમાં જે રીતે દિવાળીના પર્વને લઇ અંબાજી મંદિરમાં 20 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ મા અંબેનાં દર્શન કર્યાં હતાં. જેમ અંબાજી મંદિરમાં યાત્રિકોનો પ્રવાહ વધી રહ્યો છે તે પ્રમાણે દાનભેટનો પણ અવિરત પ્રવાહ વહી રહ્યો છે. અંબાજી એક એવી શક્તિપીઠ છે જ્યાં અગાઉના સમયમાં પૂનમના રોજ મેળાવડા જોવા મળતા હતા. પણ હવે રોજેરોજ અને રવિવાર હોય કે પૂનમ કે અન્ય રજાના દિવસોમાં પણ રોજિંદા હજારો નહીં પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચે છે.