
લાખણી તાલુકામાં શિયાળુ સીઝનમાં માવઠાથી થયેલ નુકસાનીનો સર્વે કરી સહાય આપવા માંગ
બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાના પ્રારંભે જ કરા સાથે કમોસમી વરસાદ થતાં અનેક જગ્યાએ ખેતી પાકોને મોટા પ્રમાણમાં નુકશાન થતાં ખેડૂતોને મોઢે આવેલો કોળીયો છીનવાઈ ગયો છે. ત્યારે લાખણી તાલુકામાં શિયાળુ (રવિ) સીઝન તથા બાગાયત પાકમાં કમોસમી વરસાદ થવાના કારણે ખેતરમાં ઉભેલો પાક અને લણણી કરેલ પાક નિષ્ફળ ગયેલ છે. અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. તેના કારણે પાકો નિષ્ફળ જવાથી ખેડૂતોમાં નિરાશા છવાઈ છે.કારણ કે બૅન્ક અને ખાનગી નાણાં ઘીરનાર પાસેથી ઉછીના નાણાં લઈને ખેડૂતોએ પોતાનો પાક વાવ્યો હતો. પણ કમાણી તો ઠીક વ્યાજના પૈસા ભરવાના ફાંફા થઈ ગયા છે.ત્યારે સરકાર જલદી કૃષિ સહાય પેકેજ જાહેર નહીં કરે તો ઘણાખરા ખેડૂતોને આપઘાત કરવાનો વારો આવે તેમ છે. તેથી સરકાર લાખણી તાલુકાને માવઠાથી અસરગ્રસ્ત જાહેર કરી કૃષિ પેકેજની જાહેરાત કરે તે માટે ભારતીય કિશાન સંધ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.