![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/સ્માર્ટ-મીટર-દૂર-કરી-લોકોને-HED.jpg)
ડીસામાં આમ આદમી પાર્ટી દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સ્માર્ટ મીટર દૂર કરવાની માગ કરાઈ
સ્માર્ટ મીટર દૂર કરી લોકોને 300 યુનિટ ફ્રી વીજળી આપવા ‘આપ’ કાર્યકરોએ ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું : વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાનું શરુ કરાતાં ઠેર ઠેર લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. વડોદરા, સુરત, સુરેન્દ્રનગર સહિતના અનેક સ્થળોએ લોકોએ સ્વયંભૂ સ્માર્ટ મીટરોનો વિરોધ શરૂ કરી દીધો છે. ત્યારે ડીસામાં આમ આદમી પાર્ટી દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સ્માર્ટ મીટર દૂર કરવાની માગ કરાઈ હતી.
ગુજરાતમાં ફિક્સ-પે અને કોન્ટ્રાકટ પર કામ કરતા કર્મચારીઓના મધ્યમ-વર્ગીય પરિવારો માટે સ્માર્ટ મીટરો મરણતોલ ઘા સમાન ગણાવી આમ આદમી પાર્ટીએ ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે, જે પરિવારો ટૂંકી આવકમાં ગુજરાન ચલાવે છે. ઘણીવાર તો ઉધાર-ઉછીના કરીને 2-2 બિલ પેનલ્ટી સાથે સામટા ભારે છે એ પ્રિપેઇડ કેવી રીતે રિચાર્જ કરશે? જો પૈસા નહીં હોય તો પૂરું થઇ ગયેલું રિચાર્જ કેવી રીતે રિચાર્જ કરીને નાના બાળકો, ઘરડાં માં-બાપ કે પરિવારના બીમારો સભ્યને સાચવશે? જેથી આ તાત્કાલિક બંધ થવું જ જોઈએ.
જો સ્માર્ટ મીટર પડતા મુકવાની ગુજરાત સરકાર તાત્કાલિક જાહેરાત નહિ કરે તો આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ગલી-મહોલ્લાઓમાં જઈને લોકોને વીજળીમાં સરકાર અને પાવર કંપનીઓની મિલીભગતથી ચાલતી ઉઘાડી લૂંટ બાબતે જાગ્રત કરશે. રિચાર્જ કરાવવાનો કે બિલ ભરવાનો સાફ ઇન્કાર કરવા માટે લોકોને સમજાવશે તેવી ચીમકી પણ આવેદનપત્રમાં ઉચ્ચારી હતી. જ્યારે સરકારે ગંભીરતાથી વિચારી અને અન્ય રાજ્યોની જેમ ગુજરાતની ફિક્સ-પે, કોન્ટ્રાકટ નોકરીની આવક કે સામાન્ય આવક ધરાવતા પરિવારને માસિક 300 યુનિટ વીજળી ફ્રી આપવાનું શરૂ કરવું જોઈએ તેમ જણાવ્યું હતું.