બનાસકાંઠા જિલ્લામાં કાળઝાળ ગરમીમાં પશુઓ ના દૂધ માં પણ ધટાડો નોંધાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

ઘાસચારો અને ખોળના ભાવમાં સતત વધારો થતા પશુપાલકો ની હાલત કફોડી બની

હીટવેવ ના કારણે દુધ ઉત્પાદન ધટી રહ્યું છે : પશુપાલકો બનાસકાંઠા જિલ્લામાં કાળઝાળ ગરમીથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તેનો ભોગ અબોલ પશુઓને પણ બનવાનો વારો આવ્યો છે. અસહ્ય ગરમીના કારણે દૂધાળા પશુઓનું દૂધ ઓછું થઈ ગયું છે અને ગરમી લાગવાથી પશુઓમાં બીમારીઓ વધવા સાથે ઘાસચારાની તંગી વર્તાવા લાગી છે. જેથી પશુ માટેના ચારાના ભાવ દોઢાથી બમણા થઈ ગયા છે.

એશિયાની નંબર વન બનાસ ડેરીના કારણે બનાસકાંઠા જિલ્લામાં પશુપાલનનો વ્યવસાય ફાલ્યોફુલ્યો છે. પણ છેલ્લા ઘણા દિવસથી ગરમીનો પારો સતત ઉંચો જઈ રહ્યો છે. આ વખતે ઉનાળાની સિઝનમાં ગરમીના દિવસો પણ છેલ્લા ચાર વર્ષની સરખામણીએ વધારે છે. અસહ્ય ગરમીથી લોકો ત્રસ્ત બની ગયા છે. લોકોની જેમ જ પશુઓને પણ આગ ઓકતી ગરમીના કારણે અનેક મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો છે. જેમાં વધુ પડતી ગરમીના કારણે પશુઓમાં બીમારીનું પ્રમાણ વધ્યું છે. પશુની સાથે તેને નિભાવતા પશુ પાલકોને પણ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પશુ માટે નિરણ મોંઘુ બની ગયું છે. આ વખતે વધુ ગરમીના કારણે બોર ધરાવતા ખેતરો સિવાય લીલો ઘાસચારો ક્યાંય જોવા મળતો નથી.પશુ માટે મહત્વનો ચારો ગણાતો મગફળીના પાલાનો ભાવ પણ વધી ગયો છે. એજ રીતે લીલી ચાર અને ખોળનો ભાવ પણ વધી ગયો છે. જેથી પશુનો નિભાવ કરવો ખુબ મુશ્કેલ બન્યો છે. કારણ દૂધાળા પશુઓના ગરમીના કારણે દૂધ ઘટી ગયા છે. જેથી પશુપાલકોની હાલત કફોડી બની જવા પામી છે.

ઉનાળામાં વાવેતર કરેલ ધાસચારો આવતા લાગતા ધાસચારા ની તંગી ઓછી થશે,જિલ્લામાં ઘાસચારાનું 96,047 હેકટર જમીનમાં વાવેતર: બનાસકાંઠા જિલ્લામાં ખેતીની સાથે પશુપાલનનો ધંધો પણ વિકસ્યો છે. તેથી ખેડૂતો પશુઓને ધ્યાનમાં રાખી વાવેતર કરે છે. જેથી ઉનાળુ સિઝનમાં જિલ્લામાં બાજરીનું 1,69,350, મકાઈ 615, મગફળી 28,974 અને ઘાસચારાનું 96,047 હેકટર જમીનમાં વાવેતર થયું છે. આ પાકોની કાપણી બાદ ઘાસચારાની અછત ઓછી થશે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું.

પશુઓ માટે આવતા તમામ ખોળ ના ભાવ એક હજાર ની ઉપર પહોંચી ગયા: દિવસે ને દિવસે વધતી જતી મોંધવારી વચ્ચે દુધ ના ભાવો વધતા નથી જેની સામે પશુ ઓ માટે વપરાશ થતા તમામ પ્રકાર ના ખોળ ના ભાવો વધી ગયા છે જેમાં પાપડી ૧૭૦૦ થી ૧૮૦૦ રૂપિયા જીરાડો ૧૧૦૦ થી ૧૨૦૦ દાણ ૧૫૦૦ થી ૧૬૦૦ સહિત તમામ પ્રકાર ના ખોળ ના ભાવો આસમાને પહોંચ્યા છે.

વધતી જતી મોંધવારી વચ્ચે અત્યારે મળતા દુધ ના ભાવો પરવડે તેમ નથી: છેલ્લા ધણા સમય થી દુધ ના ભાવો વધતા નથી જેની સામે પશુપાલકો ને અન્ય ચીજ વસ્તુઓ ના ભાવો વધી રહ્યા છે જેમાં શંકર ગાયો ના દુધ ના  સામાન્ય રીતે પશુપાલકો ને ૩૦ થી ૩૫ ભાવ મળી રહ્યા છે જ્યારે ભેંસ ના દુધ ના ભાવ ૫૦ થી ૬૦ રૂપિયા મળી રહ્યા છે જે ખરેખર આજની મોંધવારી ના સમયમાં પોષાય તેમ નથી જેથી દુધ ના ભાવો માં વધારો થવો જોઈએ તેવું પશુપાલકો ઇચ્છે છે.

ગરમી ની અસર સીધી રીતે દુધ ઉત્પાદન પર પડતાં ડેરી ઉધોગ પર અસર: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી  હિટ વેવની સીધી અને આડકતરી રીતે ઘણી અસરો જોવા મળી રહી છે જેમાં હિટ વેવને કારણે ડેરી ઉદ્યોગ પર પણ ઘણી અસર વર્તાઈ છે  ગરમી અને હિટ વેવને કારણે દૂધાળાં પશુઓ ના દુધ ઉત્પાદન માં ૧૫ થી ૨૫ ટકા સુધી નો ધટાડો જોવા મળી રહ્યો છે જેથી દૂધ ઉત્પાદનમાં સામાન્ય ઘટાડો થતાં તેની અસર પશુપાલકો પર પડી રહી છે.

છેલ્લા કેટલાક દિવસોથી ગરમી વધતા દુધ ના ઉત્પાદન માં ધટાડો થયો: પશુપાલકો આ અંગે  પશુપાલન સાથે સંકળાયેલા કેટલાક લોકો એ કહ્યું હતું કે  ગાયો અને ભેંસો માં વધતી જતી ગરમી થી તેની દુધ આપવાની ક્ષમતા ધટી છે  અતિશય ગરમીને કારણે દુધ ના ઉત્પાદન માં ધટાડો થયો છે  પશુઓમાં દૂધનું ઉત્પાદન લગભગ અડધું થઈ જાય છે. અનેક પરીવારો નુ ઘર તો દૂધના વેચાણથી જ ચાલે છે. ગરમી પડતા દૂધ ઓછું થઈ જતા તેની અસર આવક પર થવા લાગી છે.

પશુઓ 40 ડિગ્રી તાપમાન વચ્ચે ખોરાક લેવાની ક્ષમતા પર પણ અસર કરે છે: આ અંગે કેટલાક પશુ ચિકિત્સક ના જણાવ્યા મુજબ ભેંસો, સંકર ગાયો વગેરે જેવાં પશુઓ ૪૦ ડિગ્રીથી વધારે તાપમાન સહન કરી શકતાં નથી. જેમ જેમ તાપમાન વધે તેમ તેમ આવાં પશુઓની ખોરાક લેવાની ક્ષમતા ઘટતી જાય છે.ત્યારે તાપમાન ૪૫ ડિગ્રીએ પહોંચતા પશુઓની હાલત કફોડી બની જવા પામી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.