વર્ષો જુના ઘરો તૂટતા અનેક ગરીબ પરિવારો ચોમાસામાં બેઘર

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ધાનેરા : ધાનેરા તાલુકાના કોટડા ધાખા ગામે બે દિવસ દરમિયાન ગુજરાત હાઈકોર્ટેના આદેશ પ્રમાણે પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દુર કરાયા હતા. જે દબાણોમા મજૂરી પર નિર્ભર ગરીબ પરિવારોના મકાનો પણ નિયમો અનુસાર તોડી પાડવામાં આવ્યા હતા. જેથી સૂકા ભેગું લીલું બળ્યાનો ઘાટ ઘડાતા ચોમાસામાં અનેક પરિવારોનો આશિયાનો છીનવાઈ જવા પામ્યો છે.
ધાનેરા તાલુકા વિકાસ અધિકારીએ તલાટીની ટિમ સાથે પોલીસ બંદોબસ્ત હેઠળ આ દબાણ દૂર કર્યા હતા. ગૌચર જમીનમાં બિનકાયદેસર રીતે મકાન હોવાના કારણે આ દબાણ દૂર કરવામાં આવ્યા હતા.ગૌચર જમીન તેમજ સરકારી પડતર જમીન પર સરકારનો હક હોય છે. સાથે સ્થાનિક ગ્રામ પંચાયતનો પણ આ જમીન પર હક હોય છે. પરંતુ જે મકાનો તોડવામાં આવ્યા એ મકાનો સરકારી યોજનામાં મંજૂર કરવામાં આવ્યા હતા તેવો રોષ ઠાલવતા કોટડા ધાખા ગામના કેસાભાઈ સોલંકી કે જેઓ મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને કોટડા ધાખા ગામમાં વર્ષોથી પરિવાર રહે છે. સરકારની ઇન્દીરા આવાસ યોજનામાં તેમને આ મકાન આપવામાં આવ્યું હતું. જેઓ પંચાયતમાં સમયસર વેરો પણ ભરપાઈ કરતા હતા. જેમાં ઘર વેરો, પાણી વેરો, લાઈટ વેરો, સફાઈ વેરો સહિત સરકારનું દરેક લેણું તેઓ ભરપાઈ કરતા હતા. જેમની પાસે ઘર નંબર સાથેની પહોંચ પણ છે. તેમાં પણ સૌથી મહત્વની વાત તો એ છે કે જયારે આ ઇસમે ઇન્દિરા આવાસ યોજનાની સહાય માટે અરજી કરી એ સમય અરજીમા મકાનની આકારણી, રેશનકાર્ડ, ચૂંટણી કાર્ડ, તલાટીનો દાખલો, રહેણાંકનો દાખલો આ પ્રકારના તમામ જરૂરી દસ્તાવેજ આપી કાયદેસર મકાનની સહાય મેળવી હશે. જેમાં ત્રણ અલગ અલગ હપ્તામાં મકાન બનવવા માટે સરકાર તરફથી રકમ પણ મળી હશે તો શુ આ તેમની જમીન ગૌચરમાં હતી ? તો આ પુરાવા ક્યાંથી આવ્યા હશે ? શુ એ સમયના તલાટી કે તાલુકા પંચાયતના અધિકારીઓ -કર્મચારીઓએ દસ્તાવેજ નહી જોયા હોય ? આવા અનેક સવાલો આ દબાણ દૂર થતાં સામે આવ્યા છે. ધાનેરા તાલુકા પંચાયત જુઠ બોલે છે કે પછી આ ગરીબ પરિવાર જ્યાં રહે છે એ જમીન રાતોરાત ગૌચર બની ગઈ હવે પરિવાર જાય તો જાય ક્યાં …!! સરકારી અધિકારીઓ – કર્મચારીઓની રમતના કારણે આજે અનેક પરિવારો આજે બેઘર બની ગયા છે. ગત રોજ દબાણમાં તોડેલા મકાનમા એક ફોજીના મકાન પર પણ જેસીબી મશીન ફરી વળ્યું હતું. કોટડા ધાખા ગામનો આ પરિવાર પણ આજે લોહીના આંસુએ રડી રહ્યો છે. આ પિતાનો પુત્ર ભારતીય આર્મીમાં ફરજ નિભાવે છે અને દેશની રક્ષા કરે છે. જો કે હાલ તેના પિતા અને માતા ઘરવિહોણા બેઠા છે. આ પરિવારને પણ વર્ષ ૧૯૯૮- ૯૯ માં સરદાર આવાસ યોજનામાં સરકારે મકાન આપ્યું હતું. જો કે ગત રોજ બરબાદી બનીને આવેલા જેસીબી મશીનએ વર્ષો જુના તેમના મકાનને તોડી પાડ્‌યું હતું. સરકાર દ્વારા મકાન મંજૂર થયું એટલે બેફિકર આ પરિવાર પણ જીવન જીવી રહ્યા હતા પરંતુ સરકારના કર્મચારીઓએ દબાણ બાબતે મકાન તોડ્‌યા છે. જેમાં એક ફોજીનો પિતા પણ મકાન બાબતે રજુઆત કરતા કરતા રડી પડ્‌યો હતો. ત્યારે ધાનેરા તાલુકાના કોટડા ધાખા ગામમાં સરકારની યોજના અંતર્ગત મંજુર થયેલ મકાન બાબતે તપાસની જરૂર છે. જો આ પરિવારો ગૌચર જમીનમાં વસવાટ કરતા હતા તો ક્યા પુરાવાના આધારે સરકારી આવાસ આપવામાં આવ્યા ? તેની તટસ્થ તપાસ કરી ગરીબ પરિવારોને ન્યાય મળે તેવો જનમત પ્રવર્તે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.