સંસ્કૃતિને બચાવવા પ્રયાસ : મારવાડી માળી સમાજ વર્ષોથી પરંપરાગત નૃત્ય રમી હોળી-ધુળેટી પર્વ મનાવે છે

બનાસકાંઠા
બનાસકાંઠા

ગુજરાતની નવરાત્રિનું જેટલું મહત્ત્વ છે તેટલું જ મહત્ત્વ રાજસ્થાની, મારવાડી લોકોમાં હોળીનું હોય છે. રાજસ્થાનમાંથી ગુજરાતમાં સ્થાઈ થયેલા મારવાડી માળી સમાજે આજે પણ ધુળેટી પર્વના દિવસે ઘેર અને લુર નૃત્ય રમવાની અનોખી પરંપરાને જાળવી રાખી છે.

રાજસ્થાનમાં સદીઓથી મારવાડી સમાજ હોળીના પર્વને દિવાળી કરતાં પણ વિશેષ મહત્ત્વ આપે છે અને હોળીની ઉજવણી પ્રસંગે પુરુષો હાથમાં ડંડા લઇ ઘેર નૃત્ય રમતા હોય છે. જ્યારે મહિલા પ્રાચીન રાજસ્થાની લોકગીતો સાથે લુર નૃત્યમાં ભાગ લેતી હોય છે, પરંતુ બદલાતા સમયની સાથે રાજસ્થાનમાં વસતા મારવાડી સમાજના લોકો રોજગાર માટે ગુજરાત તરફ વળ્યા અને તેમની આ પ્રાચીન પરંપરા ધીરે ધીરે લુપ્ત થવા લાગી, પરંતુ બનાસકાંઠા ડીસામાં આવી સ્થાઈ થયેલા રાજસ્થાની મારવાડી માળી સમાજ છેલ્લા 25 વરસોથી પોતાની આ પ્રાચીન પરંપરાને જીવંત રાખવા દર વર્ષે ધૂળેટીના દિવસે ઘેર અને લુર નૃત્યની રમઝટ બોલાવી હતી. જેમાં ડીસામાં ધારાસભ્ય પ્રવીણ માળી સહિત સમાજના વડીલો, યુવાનો અને મહિલાઓ પણ આ નૃત્યમાં જોડાઈને હોળી ધુળેટી પર્વની ઉજવણી કરી હતી.

રાજસ્થાનમાંથી ગુજરાતમાં વેપાર અર્થે આવેલા મારવાડી માળી સમાજના લોકો પોતાની પરંપરાગત હોળી ઉજવણીને ભૂલી ચુક્યા છે.હાલમાં ડીસામાં અંદાજે મારવાડી માળી સમાજના 50 હજાર જેટલા લોકો વસે છે ત્યારે બનાસકાંઠાના ડીસામાં વસતા મારવાડી માળી સમાજના લોકો પોતાની આ લોકગીત અને લોક નૃત્યની પરંપરાને જાળવી રાખવા છેલ્લા 25 વરસોથી આ પ્રકારે દર ધૂળેટીના દિવસે ઘેર અને લુર નૃત્યનો જલસો રાખતા હોય છે. જેમાં મહિલાઓ પણ રાજસ્થાની લોકગીતો ( ફાગ )ગાવા બે ભાગમાં વહેચાઈ એકબીજા તરફ આગળ વધતી જાય અને ગીતો ગાતી જાય જે લુર નૃત્ય તરીકે ઓળખાય છે. મહિલાઓ પણ આ પ્રકારની ઉજવણીથી સમાજના લોકોમાં એકતા વધતી હોવાનું માને છે.

પશ્ચિમી સંસ્કૃતિના આક્રમણ અને બદલાતા સમયમાં લોકો જ્યાં આધુનિકતા તરફ વળ્યા છે. ત્યારે રાજસ્થાનથી ડીસામાં આવેલા આ મારવાડી માળી સમાજ ધુળેટીના દિવસે રમાતી પ્રાચીન અને પરંપરાગત ઘેર અને લુર નૃત્ય રમી પોતાની સંસ્કૃતિને બચાવવા પ્રયાસ કરી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.