બનાસકાંઠા જિલ્લાના 9 તાલુકામાં છેલ્લા એક દાયકામાં ભૂગર્ભ જળમાં ધરખમ ઘટાડો

બનાસકાંઠા
બનાસકાંઠા

લાખણી તાલુકામાં સૌથી વધુ 5.58 મીટરનો ઘટાડો

જળ સંકટ : રાજ્ય સરકારની કબુલાતથી જિલ્લામાં ઉનાળો આકરો નિવડવાના એંધાણ બનાસકાંઠા જિલ્લાના 14 પૈકી 9 તાલુકામાં છેલ્લા એક દાયકામાં ભૂગર્ભ જળમાં ધરખમ ઘટાડા સાથે લાખણી તાલુકામાં તો સૌથી વધુ 5.58 મીટરનો ઘટાડો નોંધાયો હોવાની રાજ્ય સરકારે કબુલાત કરતા જિલ્લામાં ઉનાળો આકરો નિવડવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

રણ ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં અપૂરતો વરસાદ પડે છે. બીજી બાજુ, શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં પીવા અને સિંચાઈ માટે બોરવેલોમાંથી રાત અને દિવસ ધરતીના પેટાળમાંથી પાણી ઉલેચાઈ રહ્યું છે. તેની સામે જળ સંચય થતું નથી.તેથી જિલ્લામાં ભૂગર્ભ જળ ઉત્તરોતર ઘટી રહ્યું છે.100 કે 150 ફૂટના બોરવેલ પણ પાણી ઉલેચતા નથી.તેથી એકમાત્ર ખેતીના વ્યવસાયને ગંભીર ફટકો પડી રહ્યો છે.તાજેતરના વિધાનસભા સત્રમાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, રાજ્યના 252 માંથી 86 તાલુકાઓમાં ભૂગર્ભ જળના સ્તરમાં સરેરાશ દાયકાનો ઘટાડો નોંધાયો છે.

જે 86 તાલુકાની યાદીમાં સૌથી વધુ કચ્છ જિલ્લાના દસ અને બનાસકાંઠાના નવ તાલુકાઓમાં પાણીના સ્તરમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો હતો.તેમાં પણ જિલ્લાના લાખણી તાલુકામાં સૌથી વધુ 5.58 મીટરનો ચિંતાજનક હદે ઘટાડો નોંધાયો છે.રાજ્ય સરકારે પ્રતિભાવ આપ્યો કે અનિયમિત વરસાદ અને ભૂગર્ભ જળના બેફામ વપરાશના કારણે ભૂગર્ભ જળમાં ઘટાડો થયો છે. જેથી કેન્દ્ર સરકારની અટલ ભૂગર્ભ જળ યોજનામાં શોષિત, જટિલ અને અર્ધ-નિર્ણાયક કેટેગરીમાં આવતા છ જિલ્લાના 36 તાલુકાઓના 1,873 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.જે યોજના હેઠળ વરસાદી પાણીના સંગ્રહ માટે રિચાર્જ ટ્યુબવેલ,તળાવો, ચેકડેમ ખોદવામાં આવે છે અને ખેડૂતોને સિંચાઈની આર્થિક પદ્ધતિઓ જેમ કે ટપક અને છંટકાવ સિંચાઈ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.