દાંતા તાલુકા પંચાયત વર્ષોથી જર્જરિત હાલતમાં

બનાસકાંઠા
બનાસકાંઠા

જે જગ્યાએ તાલુકાની મુખ્ય કચેરી તાલુકા પંચાયત બિલ્ડીંગ જો જર્જરીત હાલતમાં હોય ત્યાં અરજદારો શું અપેક્ષા રાખે. 60 વર્ષથી વધુ સમય પહેલાં બનાવેલી દાંતા તાલુકા પંચાયત કચેરીની ખંડેર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારીઓ અધિકારીઓ જીવના જોખમે ફરજ બજાવી રહ્યા છે. તો અરજદારોને પણ કચેરીએ કામ માટે આવતા જર્જરીત બિલ્ડીંગનો ભય લાગી રહ્યો છે. અરજદારોની માગ છે કે તાલુકા પંચાયત કચેરી અન્ય જગ્યાએ ખસેડવામાં આવે અને કચેરીનું નવું મકાન બનાવવામાં આવે.તંત્ર દ્વારા અનેક નવીન કચેરીઓ બનાવી લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે. લાખો રૂપિયા ખર્ચી તંત્ર અનેક નવીન બિલ્ડિંગો બનાવે છે. જોકે બનાસકાંઠાની દાંતા તાલુકા પંચાયત 60 વર્ષ બાદ પણ નવા મકાનની રાહ જોઈ રહી છે. દાંતા તાલુકા મથક પર આવેલી તાલુકા પંચાયત કચેરીમાં કામ અર્થે આવતા અરજદારોને ડર લાગે છે કે તાલુકા પંચાયતમાં કામથી જઈશું અને ઘાયલ થઈને આવીશું. તાલુકા પંચાયત કચેરીનું બિલ્ડીંગ એટલું જર્જરીત છે કે ચોમાસાની સિઝનમાં છત પરથી પોપડા ખરી પડે છે અને ખીલાસરીઓ બહાર આવી ગઈ છે. બારી-બારણા તૂટી ગયા છે, છત ઉપર તિરાડો પડી ગઈ છે, વરસાદમાં આખી કચેરીમાં પાણી ટપકે છે.


દાંતા તાલુકામાંથી આવતા અરજદારોને ડર સતાવી રહ્યો છે કે કોઈ અઘટિત ઘટના ના બની જાય. ત્યારે તાલુકા પંચાયતમાં કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓ પણ જીવના જોખમે કામ કરવા મજબૂર છે. ત્યારે હાલ વરસાદમાં આ અધિકારીઓ માટે અન્ય જગ્યાએ બેસવા માટેની વ્યવસ્થા કરાઈ છે. જોકે પંચાયતના જરૂરી કાગળો દસ્તાવેજો સહિત સામાન હજુ આ જર્જરીત કચેરીમાં પડ્યો છે. જેનું જોખમ રહેલું છે. દાંતા તાલુકાના અરજદારો નાગરિકોની માગ છે કે તાલુકા પંચાયત કચેરી વર્ષો જૂની છે. સરકારે અનેક ઓફિસોના મકાનો નવા બનાવ્યા છે. ત્યારે આ તાલુકા પંચાયત કચેરીને તાત્કાલિક અન્યત્ર જગ્યાએ ખસેડવામાં આવે અને નવીન મકાન બનાવવામાં આવે. તાલુકા પંચાયત કચેરી જર્જરીત થઈ હોવાના મામલે તાલુકા વિકાસ અધિકારીનું કહેવું છે કે નવીન કચેરી બનાવવા તાલુકા પંચાયત દ્વારા દરખાસ્ત કરાઈ છે. જોકે સંયુક્ત કમિશનરની કચેરીમાં મંજૂરીમાં હોવાથી અત્યારે આ માંગણી પ્રોસેસમાં છે. હાલ વરસાદમાં ત્યાં બેસી કામ કરવું મુશ્કેલ છે. ત્યારે કર્મચારીઓને અન્ય જગ્યાએ બેસાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.