ડીસા શહેરમાં સિટી બસો દોડતી થશે, ટૂંક સમયમાં સર્વે હાથ ધરવામાં આવશે

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ)ડીસા, ડીસા નગરપાલિકામાં નવી ટીપી સ્કીમ લાગુ કરવા સાથે સીટી બસની સેવા પણ ચાલુ થશે અને શહેરમાં અધ્યતન કક્ષાનો ટાઉનહોલ બનાવવાની દરખાસ્તને નગરપાલિકાની બજેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. નગરપાલિકાનું વર્ષ ૨૦૨૩/૨૪ નું ૬.૨૪ કરોડની પુરાતવાળું બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું.

ડીસા નગરપાલિકામાં વર્ષ ૨૦૨૨/૨૩ નું રિવાઇઝ અને ૨૦૨૩/૨૪ નું વાર્ષિક બજેટ મંજૂર કરવા પાલિકાના સભાગૃહમાં બજેટ બેઠક મળી હતી. જેમાં વર્ષ ૨૦૨૨/૨૩ નું ૯૦.૬૮ કરોડની આવક અને ૬૫.૮૧ કરોડ ખર્ચ સામે ૨૪.૭૭ કરોડની પુરાતવાળું રિવાઇસ બજેટ મંજૂર કરાયું હતું. જ્યારે વર્ષ ૨૦૨૩/૨૪ માટે રૂપિયા ૩૨૬.૫૯ કરોડની આવક સામે ૩૨૦.૨૫ કરોડની જાવક દર્શાવી રૂપિયા ૬.૨૪ કરોડની પુરાતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.

ડીસા નગરપાલિકા દ્વારા બજેટ બેઠકમાં શહેરમાં ફરીથી સીટી બસ સર્વિસ શરૂ કરવા દરખાસ્ત કરાઈ હતી. જેથી હવે રાજ્ય સરકાર દ્વારા આ અંગેનો સર્વે કરી સીટી બસ સર્વિસ શરૂ કરવામાં આવશે જેનો ડીસા શહેર તથા આજુબાજુની ૧૫ કિલોમીટર સુધીની જનતાને લાભ મળશે. આ ઉપરાંત ડીસા નગરપાલિકામાં પ્રથમ વખત ટીપી સ્કીમ લાગુ કરવાની દરખાસ્ત પણ કરવામાં આવી છે. ટીપી સ્કીમ લાગુ થતા શહેરનો વિકાસ ખૂબ જ ઝડપથી થશે તેમજ આ નગર રચના અંતર્ગત લોકોને અદ્યતન સુવિધાઓ મળશે. આ સિવાય ડીસા શહેરમાં પાલિકા દ્વારા અધ્યતન સગવડો ધરાવતો ટાઉનહોલ બનાવવાનું પણ નગરપાલિકા દ્વારા આયોજન કરાયું છે.

ડીસા પાલિકાનો અમૃત ૩.૦ યોજનામાં સમાવેશ
કેન્દ્ર સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા અમૃત ૩.૦ યોજનામાં ડીસા નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડીસાના ચીફ ઓફિસર પંકજ બારોટના જણાવ્યા મુજબ, આ યોજના અંતર્ગત નગરપાલિકાને નલ સે જલ, સ્વચ્છ ભારત મિશન તેમજ પાણી પુરવઠા એમ ત્રણ પ્રકારના પ્રોજેક્ટ માટે દર વર્ષે રૂપિયા ૨૦ કરોડની એટલે કે પાંચ વર્ષમાં રૂપિયા ૧૦૦ કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.