રખડતા ઢોર મામલે બનાસકાંઠા તંત્ર સફાળું જાગ્યું : તમામ ચીફ ઓફિસરની બેઠક બોલાવી કલેકટરે ઢોરને પાંજરે પૂરવા આદેશ કર્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા રખડતાં ઢોરોને પકડવા માટે નક્કર અને સંકલિત પગલાં લઇ અસરકારક કાર્ય કરવા માટે નિર્દેશો આપવામાં આવેલ છે. જે સંદર્ભે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલે બનાસકાંઠા જિલ્લાના તમામ ચીફ ઓફિસર્સ સાથે બેઠક યોજી રખડતા ઢોરની સમસ્યાને નિયંત્રિત કરવા સ્પષ્ટ આદેશ આપ્યો હતો.શહેરી વિસ્તારમાં પશુત્રાસ અટકાવવા અને નિયંત્રણ માટે કડક શબ્દોમાં આદેશ સાથે નગરપાલિકા વિસ્તારમાંથી નગરપાલિકા દ્વારા પકડવામાં આવતા ઢોરને ગૌશાળા અને પાંજરાપોળમાં રાખવામાં આવે, નિયમિત રીતે ઢોર પકડવાની કામગીરી સુચારૂ રીતે થાય તેમજ નગરપાલિકા પ્રમાણે અલગ જગ્યા સુનિશ્વિત કરી ઢોરને રાખવા માટે કલેકટરએ તાકીદ કરી હતી. રાહદારી અને નિર્દોષ લોકો રખડતા ઢોરનો ભોગ ન બને એની તકેદારી જવાબદાર વિભાગ રાખે એમ જણાવી આ કામગીરીમાં બેદરકારી દાખવનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એમ કલેકટરએ સ્પષ્ટ કહ્યું હતું.


જિલ્લા કલેકટર વરુણ કુમાર બરનવાલે તમામ ચીફ ઓફિસરોને આગામી ત્રણ દિવસમાં પાંચ હજાર રખડતાં ઢોર પકડવાની સ્પષ્ટ સૂચના આપતાં વિવિધ નગરપાલિકા વિસ્તારમાંથી પકડવામાં આવતા રખડતા ઢોરને પકડીને ગૌશાળા કે પાંજરાપોળમાં રાખવામાં આવે એવી વ્યવસ્થા નક્કી કરવા માટે અને આ સમસ્યા ગંભીર હોઇ સત્વરે યોગ્ય પગલાં લેવા તાકીદ કરી હતી. કલેકટરના આદેશને પગલે અત્યાર સુધીમાં શહેરી વિસ્તારમાં પાંચસો રખડતાં ઢોર પકડવાની કાર્યવાહી કરવામાં આવી હોવાનું ચીફ ઓફિસર્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું. જ્યારે કલેકટર વરુણકુમાર બરનવાલે આ બાબતને ગંભીર ગણી ઢોર પકડવાની કામગીરી અભિયાન રૂપે ઉપાડી આગામી ત્રણ દિવસમાં પાંચ હજાર કરતાં વધારે ઢોર પકડવા આદેશ આપ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.