બનાસકાંઠા લોકસભા ચૂંટણી જંગ: કોંગ્રેસના ઉમેદવારે ભર્યું ઉમેદવારી પત્ર

બનાસકાંઠા
બનાસકાંઠા

લોકશાહીમાં લોકો મહાન: ભાજપનો અહંકાર પ્રજા તોડશે:-શક્તિસિંહ ગોહિલ

પ્રજાના અભૂતપૂર્વ પ્રેમથી ભાવ વિભોર બનેલા ગેનીબેન ઠાકોર રડી પડ્યા: જન આશીર્વાદ સભા બાદ રેલી સ્વરૂપે જઈ ભર્યું નામાંકન પત્ર: 2-બનાસકાંઠા લોકસભા ચૂંટણી જંગમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેઓએ ઉમેદવારીપત્ર ભર્યા બાદ જિલ્લા ની જનતાના આશીર્વાદ થકી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

બનાસકાંઠા લોકસભાના ચૂંટણી જંગમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ઉમેદવારીપત્ર ભરતા પૂર્વે જન આશીર્વાદ સભા યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. જેમાં ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપની ગેરંટીને જુમલાબાજી ગણાવી વેધક પ્રહારો કર્યા હતા. તેઓએ લોકશાહીમાં લોકો મહાન હોવાનું જણાવી ભાજપનો અહંકાર જનતા તોડશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. જન આશીર્વાદ સભામાં જિલ્લાભરમાં થી જન સૈલાબ ઉમટી પડ્યો હતો. જોકે, જન સભા રૂપી શક્તિ પ્રદર્શન બાદ ગેનીબેન ઠાકોર રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. તેઓ પોતાના દેશી અંદાજ માં ટ્રેક્ટરમાં બેસી રેલીમાં નીકળ્યા હતા. જોકે, વિશાળ રેલીને લઈને એરોમાં સર્કલથી કલેકટર કચેરી સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, કાર્યકારી પ્રમુખ જીગ્નેશ મેવાણી, પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, જિલ્લા, પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને ટેકેદારો ઉપસ્થિત રહ્યા હતા.

આમ, બનાસકાંઠા લોકસભા પર કોંગ્રેસમાંથી “બનાસની બેન ગેનીબેન” અને ભાજપમાંથી “બનાસની દીકરી રેખાબેન ચૌધરી” વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.

ગેનીબેન ભાવુક થઈ રડી પડ્યા: કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જન આશીર્વાદ સભાને સંબોધતા રડી પડ્યા હતા. તેઓ પ્રચાર દરમિયાન લોકો તરફથી મળતા અભૂતપૂર્વ પ્રેમને યાદ કરી ભાવુક બન્યા હતા. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પણ પોતાના પરસેવા ની કમાણીમાંથી ચૂંટણી ફંડ આપી આપતા જોઈને ગદગદિત થઇ ભાવવિભોર બનેલા ગેનીબેન ઠાકોરે મતદારોનું ઋણ કઈ રીતે ઉતારીશ તેવો સવાલ કરતા “હે ધરણીધર મારી લાજ રાખજે” તેવું કહી સ્ટેજ પર જ રડી પડ્યા હતા.

નોટ આપનાર પ્રજાજનો વોટ પણ આપશે: ઉમેદવારી પત્ર ભર્યા બાદ કોંગ્રેસ ના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પોતાને અઢારે આલમ અને છત્રીસે કોમના ઉમેદવાર ગણાવી જનતા ના આશીર્વાદ જરૂર મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેઓએ પ્રચાર દરમિયાન નોટ આપનારી પ્રજા વોટ પણ આપશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.