પડતર માગણીઓને લઈને આશા બહેનોએ ઉગામ્યુ ભૂખ હડતાળનું શસ્ત્ર

બનાસકાંઠા
બનાસકાંઠા

ભાજપ સરકાર વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર કરી છાજીયા ફૂટી કર્યું વિરોધ પ્રદર્શન: સરહદી બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતી ત્રણેક હજાર આશા બહેનોએ ફિક્સ વેતન સહિતના પડતર પ્રશ્નોને લઈને અવાજ ઉઠાવ્યો છે. પાલનપુર ખાતે વિરોધ પ્રદર્શન બાદ આશા બહેનોએ ભૂખ હળતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે.

10 માસનો બાકી 50% ટોપઅપ વધારો, ફિક્સ અને નિયમિત ચૂકવવા માંગ: બનાસકાંઠા જિલ્લાની આશા વર્કર બહેનોએ પોતાના પડતર પ્રશ્નોને લઈને બાંયો ચડાવી છે. બનાસકાંઠા જિલ્લાની આશા વર્કર બહેનોને 50% ટોપઅપ વધારો એપ્રિલ -2023 થી આજ દિન સુધી મળેલ નથી. 10 માસનો ટોપઅપ વધારો, ફિક્સ વેતન અને કાયમી કર્મચારી ગણવા સહિતની માંગણીઓને લઈને આશા વર્કર બહેનો વિરોધ પ્રદર્શન કરી રહી છે. છેલ્લા એક મહિનાથી કામકાજથી અળગા રહી હડતાળ પર ઉતરેલી બહેનોની ધીરજ ખૂટતા આખરે આશા બહેનોએ પાલનપુર કલેકટર કચેરીએ જઈ સરકાર વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી ભૂખ હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ હોવાનું આશાવર્કર યુનિયનના પ્રમુખ પિંકીબેન પરમારે જણાવ્યું હતું.

જોકે, આજના મોંઘવારીના જમાનામાં કામના બદલામાં સમયસર વેતન ન મળતા આશા બહેનો આર્થિક સંકડામણ અનુભવી રહી છે. ત્યારે એક મહિનાથી હડતાળ છતાં સરકાર બહેનોનો અવાજ સાંભળતી ન હોઈ તેઓએ સરકાર સામે ઉભરો ઠાલવ્યો હતો.

જોકે, એક માસની હડતાળ બાદ આશા વર્કર બહેનો એ ઉગામેલ ભૂખ હડતાળનું શસ્ત્ર કેટલું કારગત નીવડે છે તે જોવું રહ્યું..!


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.