વાતાવરણમાં બદલો આવતા જ ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

લાખણી તાલુકામાં અઠવાડિયા બાદ ફરી એકવાર લણણીના સમયે જ હવામાન પલટાયું છે. તેથી કમોસમી માવઠાની દહેશતથી ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. લાખણી તાલુકો દાડમની ખેતીનું હબ ગણાય છે પરંતુ છેલ્લા પાંચેક વર્ષથી તાલુકામાં દાડમના પાકમાં વિવિધ રોગના આક્રમણ વચ્ચે ભાવો પણ ન મળતા ખેડૂતો અન્ય પાકો તરફ વળ્યા છે.જેથી આ શિયાળુ સીઝનમાં રાયડો,ઘઉં, જીરું, રાજગરો, જુવાર, બટાટા જેવા પાકોનું મોટાપાયે વાવેતર થયું છે. ખેડૂતોએ ખેડથી માંડી ખાતર સુધી પુષ્કળ ખર્ચ અને કાળી મજૂરી કરી પાક માંડ પકવ્યો છે પરંતુ લણણીના સમયે જ અઠવાડિયા અગાઉ ભયંકર ગાજ વીજ સાથે કમોસમી વરસાદ અને ધુમમ્સ છવાતાં તૈયાર ઉભા પાકોને વ્યાપક નુકશાન થયુ છે. તેમ છતાં ખેડૂતોએ હવે પાકો લેવાની તૈયારી શરૂ કરી હતી.ત્યાં મહા મહિનામાં બીજી વખત ફરી હવામાન પલટાયું છે અને આકાશમાં વાદળાં ગોરંભાતા ફરી કમોસમી વરસાદની દહેશત છવાઈ છે. તેથી કુદરતના રૌદ્ર સ્વરૂપને નિહાળી ફરી એકવાર ખેડૂતો લાચાર બની ગયા છે. હવામાન પલટા બાદ ઠંડીનું જોર પણ વધી જવાની દહેશતથી લગ્ન નિર્ધારિત પરિવારો પણ ફફડી ઉઠ્યા છે. બપોર બાદ વાતાવરણ સુધરી જતા તમામે હાશકારો અનુભવ્યો હતો પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ૨૦૨૩ નો ઉનાળો આકરો નિવડશે. તેની શરૂઆત ફેબ્રુઆરી મહિનાથી જ થઈ જશે. ૧૩ ફેબ્રુઆરીથી જ વાતાવરણમાં ગરમી વધવાની શરૂઆત થઈ જશે. આ દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ૧૯-૨૦ ફેબ્રુઆરીથી ગરમી વધવા લાગશે. મહત્તમ તાપમાન એ સમયે ૩૭ ડિગ્રી રહેવાની શક્યતા છે. તો આ બાદ ૨૨- ૨૬ ફેબ્રુઆરીએ ત્રીજા માવઠાની પણ આગાહી કરાઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.