ડીસા શહેરમાં લારી ધારકો અને દુકાનદારો જાહેરમાં કચરો ફેંકતા ગંદકીનું સામ્રાજય

બનાસકાંઠા
બનાસકાંઠા

ગંદકી ફેલાવતા વેપારીઓ અને નાસ્તા સ્ટોલ સંચાલકો સહિત લારી ધારકો સામે કડક કાર્યવાહીની માંગ: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારતનું સપનું સાકાર કરાવા માટે રાજય સરકાર દ્વારા અનેક યોજનાઓ સાથે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છ શહેર સ્વચ્છ ગામ અંતગર્ત ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી રહી છે. ત્યારે ડીસા શહેરમાં સ્વચ્છતા અભિયાનની વાતો માત્ર કાગળ પર જોવા મળી રહી છે. શહેરના રાજમાર્ગો પર વેપારીઓ જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવતા નજરે પડી રહ્યા છે.

શહેરના કેટલાક વેપારીઓ અને નાસ્તા સ્ટોલ સંચાલકો સહિત લારી ધારકો દ્વારા આખો દિવસ વેપાર ધંધા કરી રાત્રિ દરમિયાન રોડ પર કચરો ફેંકી રવાના થઈ જાય છે. અને શહેરમાં કચરાના ઢગલા ખડકાઈ રહ્યા છે જેથી હિન્દુ સમાજમાં પૂજનીય એવી ગૌમાતા આ કચરાના ઢગલામાં ખોરાક શોધતી નજરે પડી રહી છે. એક તરફ પાલિકા દ્વારા અનેક જગ્યાએ ખુલ્લા કચરાના સ્ટેન્ડ ઉભા કરાતાં સ્થાનિકો સહીત સોસાયટીના રહીશો અને પાલિકાના સફાઈ કામદારો પણ કચરા સ્ટેન્ડમાં કચરો ઠાલવતા રોજબરોજ નજરે પડી રહ્યા છે.

જ્યારે બીજી તરફ પાલિકાના સત્તાધિશો જાણતા હોવા છતાં અજાણ બની હોતી હૈ ચલતી હૈ નીતિ અપનાવવામાં મસ્ત હોય તેવું દેખાઈ રહ્યું છે. ડીસાના હાર્દ સમાન લેખરાજ ચાર રસ્તા, વી. જે.પટેલ શાકમાર્કેટ અને લાયન્સ હોલ સામે આવેલ શાકભાજીની લારીઓ અને નાસ્તા સ્ટોલ સંચાલકો દ્વારા રાત્રિ દરમિયાન કચરો જાહેરમાં ફેંકીને ગંદકી ફેલાવતા હોય તેવા દ્શ્યો રોજબરોજ જોવા મળી રહ્યું છે ત્યારે શહેરમાં સ્વચ્છતા અભિયાનના ખુલ્લેઆમ ધજાગરા ઉડતાં હોય તેવું દેખાઈ રહ્યું છે. પાલિકા પ્રમુખ,ચીફ ઓફિસર સહિત સેનિટેશન કર્મચારીઓ પણ જાહેરમાં કચરો ફેંકતા લોકો સામે ઘુંટણીએ પડી ગયા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે નગરપાલિકા દ્વારા જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવતા વેપારીઓ અને નાસ્તા સ્ટોલ સંચાલકો સહિત લારી ધારકો સામે રોજબરોજ કડક ચેકીંગ હાથ ધરી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તો શહેરમાં સ્વચ્છતા અભિયાન જળવાઈ રહે તેમ છે.

ડસ્ટબીન ગાયબ: સ્વચ્છ શહેર બનાવવા માટે શહેરમાં પાલિકા દ્વારા મુકવામાં આવેલ ડસ્ટબીન પણ ગાયબ થઈ ગયાં છે જ્યારે કેટલીક જગ્યાએ ડસ્ટબીન ખુદ કચરો બની રોડ પર લટકતી હાલતમાં નજરે પડી રહ્યા છે. પાલિકા દ્વારા ત્રણ વર્ષ અગાઉ શહેરમાં નવા ડસ્ટબીન મુકવા માટેનો ઠરાવ જનરલ સભામાં કરવામાં આવેલ હતો પરંતુ આજદિન સુધી શહેરમાં એકપણ ડસ્ટબીન મુકવામાં આવેલ નથી. જે બતાવે છે કે પાલિકાના સત્તાધીશોને શહેરને સ્વચ્છ રાખવામાં કોઈ રસ નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.