જુનાડીસા-વાસણા રોડ પર બેફામ ડમ્પર અને છકડા વચ્ચે અકસ્માત સર્જાયો : ઘટના સ્થળે મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસાના જુનાડીસા થી વાસણા જવાના રોડ પર બેફામ રીતે દોડતા ડમ્પર અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં છકડો રીક્ષાચાલકનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે છકડામાં સાથે બેઠેલા યુવકને ગંભીર ઈજા થતા સારવાર અર્થે ખસેડાયો હતો.

ડીસા તાલુકામાં અકસ્માતની ઘટનાઓ રોજેરોજ બની રહી છે. જેમાં આજે વધુ એક અકસ્માતમાં એક વ્યક્તિનું મોત જ્યારે એકને ઈજા થઈ હતી. બનાવની વિગત એવી છે કે, ડીસાના જુનાડીસા થી વાસણા અને છત્રાલા ખાતે આવેલી બનાસ નદીમાંથી રેતી ભરીને બેફામ દોડતા ડમ્પરચાલકે વાસણા રોડ પાસે સામેથી આવી રહેલી છકડો રીક્ષાને ધડાકાભેર ટક્કર મારી હતી. જેથી છકડો રીક્ષા પલટી ખાઈ જતા તેમાં બેઠેલા બંને યુવકો રોડ પર પટકાયા હતા. ટક્કર મારીને ડમ્પરચાલક ફરાર થઈ ગયો હતો.

ઘટનામાં છકડોચાલક વિપુલ નટવરભાઈ પટની (રહે, શિહોરી)નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે સાથે બેઠેલા પ્રકાશ બીજલભાઇ પટણીને ગંભીર ઇજાઓ થતા 108 ઈમરજન્સી વાન મારફત ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યારે મૃતક વિપુલ પટણીના મૃતદેહને પણ પીએમ અર્થે ડીસા લવાયો હતો. ઘટનાની જાણ થતા ડીસા તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી પંચનામુ સહિતની કામગીરી કરી ફરાર થયેલા ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.