
ડીસાની એન્જલ્સ હાઈસ્કૂલમાં જન્માષ્ટમીની અનોખી ઉજવણી કરાઈ
ડીસાની એન્જલ્સ હાઈસ્કૂલમાં આજે જન્માષ્ટમી પર્વની અનોખી રીતે ઉજવણી કરાઈ હતી. શાળાના બાળકોએ આબેહુબ કૃષ્ણ વાટીકા બનાવી ભગવાન શ્રીકૃષ્ણના બચપન, સંઘર્ષ સહિત જીવન ચરિત્રના દર્શન કરાવ્યા હતા.ડીસાની એન્જલ્સ હાઈસ્કૂલમાં આજે જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં છેલ્લા છ દિવસથી શાળાના બાળકો દ્વારા કૃષ્ણ ભગવાનના જીવનના અલગ અલગ પ્રસંગોનું આબેહૂબ ચિત્રણ રજૂ કર્યું હતું. બાળકોએ ભગવાન શ્રીકૃષ્ણ, રાધા, ગોપીઓ, વાસુદેવ, ઋષિમુની સહિતના પાત્રો ભજવ્યા હતા. તેમજ કૃષ્ણ યુગના તમામ પાસાઓને દર્શાવતી કૃષ્ણ વાટીકા બનાવી હતી.
આ અંગે શાળાના આચાર્ય ઉપાસના સોનેજી અને વિદ્યાર્થી ધનેશે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારી શાળામાં છ દિવસથી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે. જેમાં કૃષ્ણ ભગવાનના જન્મથી લઈ તેમના અભ્યાસ, સંઘર્ષ અને જીવનની લીલાઓ બાળકોએ આબેહૂબ રજૂ કરી છે અને તમામ વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનને ખૂબ જ ભક્તિ ભાવપૂર્વક નિહાળી છે. કૃષ્ણ ભગવાનને આપણે આદર્શ પુરુષ તરીકે જોઈએ છીએ ત્યારે આના થકી બાળકો કૃષ્ણ ભગવાનના સંઘર્ષો વિશે જાણે છે અને સમજે છે, અને બાળકોનો પણ સારી રીતે વિકાસ થાય છે.