ડીસા નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ
ડીસા નગરપાલિકાની સામાન્ય સભામાં પાલિકાની વિવિધ કમિટીઓના ચેરમેનોની વરણી કરવામાં આવી હતી. જ્યારે બોર્ડમાં ખેડૂતોના હિતને લઈ શહેરમાં લાગુ થનારી ટાઉન પ્લાનિંગ સ્કીમ રદ કરવામાંનો ઠરાવ કરવામાં આવ્યો હતો. સમિતિઓની રચના બાદ સભાની કાર્યવાહી પૂર્ણ થતાં કમિટી ન મળનાર સભ્યોએ પોતાની નારાજગી દર્શાવી હતી.ડીસા નગરપાલિકાની સામાન્ય સભા અયોધ્યામાં ભગવાન શ્રીરામનું મંદિર નિર્માણ પામતા આભાર પ્રસ્તાવ સાથે શરૂ થઈ હતી. પાલિકા પ્રમુખ સંગીતા દવેએ વિવિધ એજન્ડા પરના કામો રજૂ કરતા સભ્યોએ બહાલી આપી હતી. જોકે વિપક્ષી સભ્યો શહેરના પ્રશ્નો અંગે ચર્ચા કરવા માંગતા હોઇ પ્રમુખે બોર્ડ બાદ ચર્ચા કરવા જણાવ્યું હતું. એજન્ડામાં મુખ્ય બે કામોમાં શહેરમાં ટાઉન પ્લાનિંગ યોજના (ટીપી સ્કીમ) અંગેનો એજન્ડા આવતા પ્રમુખે ખેડૂતોના હિત ખાતર ટાઉન પ્લાનિંગ સ્કીમ મુલતવી રાખવાનો ઠરાવ કરવાનું જણાવતા તમામ સભ્યોએ બહાલી આપી હતી.
ત્યારબાદ પાલિકાની વિવિધ સમિતિઓની રચના અંગે જિલ્લા ભાજપમાંથી વ્હીપ આવતા પ્રમુખે વ્હીપ વાંચી સંભળાવ્યો હતો. તેમજ વિવિધ 21 કમિટીઓના ચેરમેનોના નામ રજૂ કર્યા હતા. જેને સભ્યોએ બહાલી આપી હતી. આમ સામાન્ય સભા તો શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી, પરંતુ બાદમાં સમિતિ ન મળવાથી નારાજ સભ્યોએ પ્રમુખ સમક્ષ તેમજ ભાજપના સભ્યો સમક્ષ પોતાની હૈયા વરાળ ઠાલવી અન્યાય થયો હોવાની લાગણી વ્યક્ત કરી હતી.ડીસા નગરપાલિકામાં આજે 21 જેટલી સમિતિઓની ચેરમેનોની વરણી થતા માળી સમાજના એક પણ સભ્યને સમિતિ આપવામાં આવી ન હતી. જેથી સભ્યોમાં નારાજગી જોવા મળી હતી. પાલિકામાં માળી સમાજના પાંચ સભ્યો ચૂંટાયેલા છે. જેમાં દીપક પઢિયારને અગાઉ દંડક બનાવાયા હતા, ત્યારબાદ આજે કમિટીમાં એક પણ સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો.ડીસા પાલિકા પ્રમુખ સંગીતા દવે અને નવનિયુક્ત ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેને ચેતન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા વ્હીપ આવતા વ્હીપ મુજબ કમિટીઓની રચના કરાઇ છે. હવે સર્વે સાથે મળીને શહેરનો સર્વાંગી વિકાસ કરીશું.જ્યારે વોર્ડ નંબર 8 ના અપક્ષ નગરસેવક નિકિતા ઠાકોરે જણાવ્યું હતું કે, પાલિકામાં અપક્ષ ચુંટાયેલા સભ્યોને પણ સમિતિ આપવામાં આવી છે. ત્યારે ભાજપને સાથ આપનાર અપક્ષ સભ્યોને કમિટી ન આપી અમારી સાથે અન્યાય કરવામાં આવ્યો છે.