
થરાદની મુખ્ય બજારમાં ભીષણ આગ લાગતાં ૫૫ ગ્રામ સોનુ બળી ગયું !!
થરાદની મુખ્ય બજારમાં આવેલી બે સોનાની વેપારીની ઉપર નીચેની બે દુકાનોમાં ગુરૂવારની ભરબપોરે આગ ભભુકતાં સોનાચાંદીના દાગીના અને ફર્નિચર સહિત લાખો રૂપીયાનું નુકશાન થવા પામ્યું હતું. પાલિકાના ફાયરફાયટરે આગને કાબુમાં લઇને અન્ય દુકાનોને નુકશાન થતું અટકાવી લીધું હતું.આગને કારણે મુખ્યબજારમાં અફરાતફરી મચવા પામી હતી. મુખ્યબજારમાં સોનીબજારમાં આંબલીશેરીના નાકે આવેલી ઉપર બંગાળી કારીગરો કામ કરતા અને નીચે તૈયાર દાગીનાનો શોરૂમ ધરાવતી શ્રીરામ જવેલર્સ નામી દુકાનના બંન્ને માળમાં ગુરુવારની બપોરે પોણા એક વાગ્યાના સુમારે આગ લાગી હતી.શોર્ટસર્કિટના કારણે એકાએક લાગેલી આગ વચ્ચે દુકાનમાંથી માણસો બહાર દોડી ગયા હતા. આ અંગે પાલિકાના પુર્વઉપપ્રમુખ રમેશભાઇ રાજપુતને કોલ કરતાં તેમણે જાણ કરતાં તાબડતોબ પાલિકાના ફાયર ઓફીસર વિરમ રાઠોડ ટીમ સાથે દોડી આવ્યા હતા. અને ભારે પવનના પ્રકોપ વચ્ચે આગ પર કાબુ મેળવી અન્ય દુકાનોને નુકશાન થતું અટકાવ્યું હતું. જાે કે આગથી કારીગર હબ્બીરૂલ્લા શેરખાન અલી રહે.બિહારને ૩૫ ગ્રામ સોનું અને ફર્નિચર તથા નીચેના વેપારી ભરતભાઇ નાગજીભાઇ સોનીના શોરુમમાંથી ૨૦ ગ્રામ સોનું અને ૪૫૦ ગ્રામ ચાંદી અને તીજાેરી તથા ટેબલ સહિતનું ફર્નિચર બળીને ખાખ થઇ જવા પામ્યું હતું.બનાવને પગલે બહોળી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.મુખ્ય બજારમાં અફરાતફરીનો માહોલ સર્જાવા પામ્યો હતો.