પાલનપુરના ન્યુ એસ.ટી.બસ પોર્ટ પર ચાલતા કેફે પર રેડ પોલીસની રેડ દરમિયાન 2 યુવતીઓએ લગાવી છલાંગ

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુરના ન્યુ એસ.ટી.બસ પોર્ટ પર ચાલતા કેફે પર રેડ

પોલીસની રેડ દરમિયાન 2 યુવતીઓએ લગાવી છલાંગ

પાલનપુર ન્યુ એસ.ટી.બસ પોર્ટમાં ગેરકાયદે ધમધમતા કેફે પર પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે રેડ કરી હતી. પોલીસને જોઈને ભાગવા જતી બે યુવતીઓએ કેફે ના ટોઇલેટમાંથી છલાંગ લગાવતા તેઓ ભોંયતળિયે પટકાઈ હતી. જેઓને ગંભીર ઇજાઓ થતા પાલનપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી.

અસામાજિક પ્રવૃતિઓ ના અડ્ડો બનેલા પાલનપુરના ન્યુ બસ પોર્ટ પર ગેરકાયદે કેફે ચાલી રહ્યા છે. જ્યાં કોલેજીયન સહિતના યુવક-યુવતીઓ પ્રાઇવસી પુરી પાડવામાં આવતી હોવાની રાવ ઉઠી છે. ત્યારે આજે બાતમીના આધારે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે પ્રથમ માળે આવેલા ફર્સ્ટ ડેટ કેફે પર રેડ કરી હતી. જોકે, પોલીસને જોઈને યુવક યુવતીઓ માં નાસભાગ મચી ગઇ હતી. ત્યારે પોલીસના ડરથી બે યુવતી ઓ કેફના ટોઇલેટમાં ઘુસી ગઈ હતી. જ્યાંથી તેઓએ બારીમાંથી કૂદકો મારતા ભોંયતળિયે આવેલા પાર્કિંગમાં પટકાઈ હતી. આ બન્ને યુવતીઓને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે 108 મારફતે પાલનપુર સિવિલમાં ખસેડાઈ હોવાનું પાલનપુર શહેર પશ્ચિમ પી.આઈ. આર.બી.ગોહિલે જણાવ્યું હતું.

જોકે, બે યુવતીઓએ છલાંગ લગાવતા અફરાતફરી મચી ગઇ હતી. જેથી પોલીસ પણ ગભરાઈ જતા રેડ દરમિયાન કોઈ યુવક યુવતી હાથમાં આવ્યા ન હતા. જોકે, વર્ષોથી ચાલતા કેફે સેન્ટરો પોલીસની રહેમનજર તળે ચાલતા હોવાની પણ રાવ ઉઠી છે. ત્યારે સભ્ય સમાજ માટે લાલબત્તી સમા અસામાજિક પ્રવૃતિઓને ઉત્તેજન આપતા કેફે સેન્ટરોએ વાલીઓની ચિંતા વધારી દીધી છે.

સંચાલક વિરુદ્ધ 188 મુજબ કાર્યવાહી: પાલનપુર પશ્ચિમ પોલીસ મથકની ટીમે બસપોર્ટમાં પ્રથમ માળે આવેલ ફસ્ટ ડેટ નામના કેફેમાં રેડ કરી હતી. જેમાં બે યુવતીઓ પોલીસની રેડ જોઈ બારીમાંથી છલાંગ લગાવતા એક યુવતીને માથાના ભાગે ઇજાઓ થઈ હતી તેમજ બીજી યુવતીને બંને પગમાં ઇજાઓ થતા સિવિલ હોસ્પિટલ માં સારવાર માટે ખસેડાઈ હતી. જેને સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જેના પગલે કેફેના સંચાલક કલ્પેશ ચૌધરી સામે 188 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

સભ્ય સમાજ અને વાલીઓ માટે લાલબત્તી: પાલનપુર ન્યુ એસ.ટી. બસ પોર્ટ અસામાજિક તત્વોનો અડ્ડો બન્યું હોવાની રાવ ઉઠી છે. અગાઉ પણ ચા ના કેફે પર બે કોલેજીયન જૂથ વચ્ચે અથડામણ થતા જાહેરમાં સશસ્ત્ર ધીંગાણું થયું હતું. બાદમાં બસપોર્ટ પર પોલીસ ચોકી પણ ખુલ્લી મુકાઈ હતી. પરંતુ બસપોર્ટ માં ન્યૂસન્સ તત્વો પર લગામ લાગી નથી. બસપોર્ટમાં ખુલ્લે આમ ગેરકાયદે કેફે સેન્ટરો ધમધમી રહ્યા છે. જેમાં યુવા હૈયાઓને એકાંત પૂરું પાડવામાં આવી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે ઘેરથી શાળા-કોલેજમાં જતા યુવાનોને આશ્રયસ્થાન પૂરું પાડતા ગેસ્ટ હાઉસ જેવી સુવિધા ઓ પુરી પાડતા કેફે સેન્ટરો સભ્ય સમાજ માટે લાલબત્તી સમાં બની વાલીઓની ચિંતામાં વધારો કરનારા બની રહ્યા છે. જોકે, ખુદ પોલીસના જણાવ્યા મુજબ બસ પોર્ટ પર છ થી આઠ કેફે સેન્ટર ધમધમી રહ્યા છે. ત્યારે વર્ષોથી ગેરકાયદે વગર પરવાને ચાલતા કેફે સેન્ટરો સામે આજદિન સુધી આંખ આડા કાન કરવાની પોલીસ ની નીતિ સામે પણ સવાલો ઉઠ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.