ભિલોડામાં પહેલા સુરક્ષા પછી શિક્ષણ, શાળાને તાળાબંધી યથાવત
શામળાજી નજીક રંગપુર ગામ પાસે હાઇવે પર અન્ડરપાસની માંગણીને લઇ ગામલોકોએ ગઇકાલે શાળાને તાળાબંધી કરી હતી. આજે બીજા દિવસે પણ પ્રાથમિક શાળાને તાળાબંધી યથાવત રાખી શિક્ષણનો બહિષ્કાર કરતા દોડધામ મચી ગઇ છે. ગઇકાલે અચાનક પ્રાથમિક શાળાને તાળાબંધી કરી બાળકોની સુરક્ષાની ખાત્રી મેળવવા તંત્ર સમક્ષ રજૂઆત કરી છે. નેશનલ હાઇવે પર પસાર થતાં દરમ્યાન દુર્ઘટનાની લટકતી તલવાર હોઇ ગામલોકોએ શાળાને તાળાબંધી કરી હાઇવે ઓથોરીટી સામે ઉગ્ર નારાજગી બતાવી છે.
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના રંગપુર ગામલોકોએ સુરક્ષાના સવાલો સામે ભારે આક્રોશ સાથે ગઇકાલે શાળાને તાળાબંધી કરી હતી. ગામની પ્રાથમિક શાળાને તાળાબંધી કરી શિક્ષણનો બહિષ્કાર કરતા બીજા દિવસે પણ તાળાબંધી યથાવત રહેતા દોડધામ મચી ગઇ છે. શાળા મેનેજમેન્ટ કમિટીએ અન્ડરપાસ બનાવવાની માંગ સાથે નારાજગી વ્યક્ત કરી છે. ગામના વાલીઓએ બીજા દિવસે પણ બાળકોને શાળાએ ન મોકલી વિરોધ નોંધાવ્યો છે. આવી સ્થિતિમાં હાઇવે તરફથી મળતી નિરાશાની અસર શિક્ષણ ઉપર થઇ હોવાનું ચિત્ર ઉભુ થયું છે.