
બનાસ ડેરીના દૈનિક ૩૦ લાખ લીટર દૂધના પ્રોસેસીંગ પ્લાન્ટનું રવિવારે ભૂમિ પૂજન
રખેવાળ ન્યુઝ પાલનપુર : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તા.૧૬ ફેબ્રુઆરી-રવિવારના રોજ બનાસકાંઠા જિલ્લામાં પધારશે. સવારે ૯ વાગે મુખ્યમંત્રીના હસ્તે દિયોદર તાલુકાના સણાદર ખાતે બનાસ ડેરીના દૈનિક ૩૦ લાખ લીટર દૂધના પ્રોસેસીંગ પ્લાન્ટનું ભૂમિપૂજન-ખાતમુર્હૂત કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગના રાજયમંત્રી સંજીવકુમાર બાલિયાન અને અતિથિ વિશેષ તરીકે સાંસદ પરબતભાઇ પટેલ સહીત મહાનુભાવો, અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિ ત રહેશે.
પ્રોસેસીંગ પ્લાન્ટના ભૂમિપૂજન સમારોહમાં ઉપસ્થિત રહેવા બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી દ્વારા બનાસવાસીઓને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે બનાસ ડેરી ભારતમાં જ નહિ પરંતુ સમગ્ર એશિયામાં સૌથી મોટી ડેરી હોવાનું ગૌરવભર્યુ સ્થાન ધરાવે છે. દિયોદર તાલુકાના સણાદર ખાતે સ્થપાનાર બનાસ ડેરીના નવા પ્રોસેસીંગ પ્લાન્ટથી જિલ્લાની વિકાસકૂચને ઝડપી વેગ મળશે.
ત્યારબાદ સવારે ૧૧ વાગે થરાદ મુકામે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કૃષિ મહાવિધાલય અને છાત્રાલય સંકુલનું લોકાર્પણ કરવામાં આવશે. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા થરાદ ખાતે ૧૦૦ હેકટર વિસ્તારમાં ૩૨.૫ કરોડનાં ખર્ચથી નિર્માણ પામેલ કૃષિ મહાવિદ્યાલય, કુમાર છાત્રાલય, કન્યા છાત્રાલય, એકેડેમીક છાત્રાલય, ઓડિટોરિયમ, આર.સી.સી.રોડ, સ્ટ્રકચરથી સજ્જ અત્યંત આધુનિક સંકુલનું મુખ્યમંત્રી લોકાર્પણ કરશે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત રાજ્યમંત્રી પરસોત્તમભાઇ રૂપાલા, કૃષિ, ગ્રામ વિકાસ અને વાહનવ્યવહાર રાજ્યમંત્રી રણછોડભાઈ સી. ફળદુ, બનાસકાંઠા સંસદસભ્ય પરબતભાઈ પટેલ સહિત ધારાસભ્યઓ તથા જિલ્લાના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે આ વિસ્તારના ખેડૂતોને આધુનિક કૃષિલક્ષી તજજ્ઞતાઓ વિશે માર્ગદર્શન મળી રહે તે માટે કૃષિ સંમેલન તથા પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલ સચિવ ર્ડા. કે. કે. પટેલે જણાવ્યું છે.