
પાલનપુરમાં રાજીવ આવાસ યોજનાનું મકાન પચાવી પડાયુ હોવાની રાવ
રખેવાળ ન્યુઝ પાલનપુર
પાલનપુરમાં રહેતા એક પરીવારને રાજીવ આવાસ યોજનાના ડ્રોમાં મકાન મળ્યું હતુ. જોકે, પરિવાર મકાનમાં રહેવા જાય તે પૂર્વે અન્ય વ્યક્તિએ બથમણિયો કબ્જો કર્યો હોવાના આક્ષેપો સાથે લાભાર્થીએ પાલિકાને રજુઆત કરી ન્યાયની ગુહાર લગાવી હતી.
સરકાર દ્વારા ગરીબ પરીવારોને ઘરનું ઘર મળે તે માટે પાલનપુર માલણ દરવાજા વિસ્તારમાં ફ્લેટ સિસ્ટમથી રાજીવ ગાંધી આવાસ યોજનામાં ૨૦૦ ઉપરાંતના મકાનો બનાવવામાં આવ્યા છે. જેમાં ઝુંપડપટ્ટીમાં રહેતા અને ગરીબ પરિવાર દ્વારા મકાન માટે નામ નોંધાવવામાં આવ્યા હતા.ત્યારબાદ પાલિકા દ્વારા ડ્રો સિસ્ટમથી મકાનોની ફાળવણી કરવામાં આવી હતી.
જેમાં પાલનપુર અશોક સોસાયટીમાં રહેતા અને મજુરી કરી પરીવારનું ગુજરાન ચલાવતા દાડમબેન જીવરાજભાઈ વાઘેલાને ડ્રોમાં મકાન લાગ્યું હતુ. અને દાડમબહેન દ્વારા મકાનની ભરવા પાત્ર રકમ નગરપાલિકા માં ભરપાઈ કરી પાવતી મેળવવામાં આવી છે.પરંતુ પાલિકા દ્વારા દાડમબેન ને મકાનનું પઝેસન આપવામાં આવ્યુ નથી. તેમજ તેમને મળેલા આવાસમાં અન્ય કોઈ પરિવારે કબજો કરી લીધો છે. જેથી આ અંગે દાડમબહેનના પરિવારએ અવાર-નવાર નગરપાલિકા માં રજુઆત કરવા છતા પાલિકા દ્વારા પ્રશ્નનો નિકાલ કરવામાં આવતો ન હોવાના દાડમબહેનના પરિવારએ આક્ષેપ કર્યા હતા.તેમજ જે વ્યક્તિને આવાસ ફળવાયું છે. તેને પજેસન નથી અપાયુ તો કબજા કરનાર ને કેવીરીતે પજેસન અપાયુ તે એક મોટો સવાલ છે. તો આ બાબતે પાલિકા અધિકારી તેમજ પદાઅધિકાઓ તપાસ કરાવી મુળ માલીકને મકાનનો કબજા અપાવે તેવી માંગ ઉઠી છે.