
થરાદના મોરથલ રોડ પર સામસામે બાઇક અથડાતાં બેના ઘટના સ્થળે મોત
બે આશાસ્પદ યુવાનોના મોત નીપજતાં પંથકમાં અરેરાટી
રખેવાળ ન્યુઝ રાહ
થરાદ થરા મોરથલ રોડ પર મંગળવારના રોજ બપોરના સુમારે સામસામે આવી રહેલ પુર ઝડપે બાઇકો અથડાતાં બંને બાઇક પર સવાર યુવાનો દશરથભાઈ પુનમાજી રબારી આશરે ઉ.વ-૨૨ રહે ડેડુવા તા. થરાદ તેમજ મેદાભાઈ ભીખાજી દલિત આશરે ઉ.વ-૨૬ રહે થરા તા. થરાદ વાળાઓના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક યુવકને ઈજાઓ થતાં સારવાર અર્થે ખેસડવામાં આવ્યો હતો. અકસ્માતમાં સર્જાતાં ઘટના સ્થળે લોકોનાં ટોળાં એકઠાં થવા પામ્યાં હતાં એકસાથે બે આશાસ્પદ યુવાનોના મોત નીપજતાં પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.
થરાદ વાવ સુઇગામ તેમજ સાચોર હાઇવે પર અકસ્માતોમાં કેટલાક યુવાનો અકસ્માતનો ભોગ બની મોતને ભેટ્યા છે. બે દિવસ પહેલા તાલુકાના વામી ગામના રોડ પર સામસામે બે બાઇકો અથડાતાં એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને એકને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે આમ પંથકમાં રોજિંદા બાઇક સવારોને અકસ્માત નડતો હોય છે જેનું મુખ્ય કારણ એવું જાણવા મળે છે કે સાંચોર હાઇવે ડીસા હાઇવે તેમજ વાવ સુઇગામ હાઇવે પર આવતા જતા નાના તેમજ ભારે મોટા વાહનોનું અવરજવર વધુ હોય છે ત્યારે બાઇક સવારો પોતાનું બાઇક સ્પિડ મર્યાદાથી વધુ ચલાવતા હોય છે તેમજ રસ્તાની વળાંક કે ગોળાઈમાં ઓવરટેક અથવા ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવા જતાં પોતાનું વાહન કંટ્રોલ કરી શકતા ન હોવાથી સામે આવતા વાહન તેમજ આગળ જતા વાહન સાથે અથડાય છે.