
ડીસામાં રખડતા ઢોરની વિકટ સમસ્યા યથાવત રહેતાં ઢોર પકડવાની કામગીરી સામે પ્રશ્નાર્થ ?
રખેવાળ ન્યુઝ ડીસા : બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં રખડતા પશુઓની વિકટ સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે. મુખ્ય બજાર સહિતના માર્ગો ઉપર દિવસ દરમિયાન અનેક રખડતા ઢોરો સવારથી જ જોવા મળે છે.ડીસામાં અવારનવાર અનેક વાહનચાલકો અને રાહદારીઓને આ રખડતા ઢોર દ્વારા ઈજાઓ કરી મોત નિપજાવવા ઉપરાંત અકસ્માતની પણ અનેક ઘટનાઓ બનવા પામી છે. જો કે આ બાબતને ગંભીરતાથી લઈ જિલ્લા કલેક્ટર દ્વારા રખડતા ઢોર પકડવાની સુચના આપવામાં આવી હોવા છતાં જિલ્લા કલેક્ટરના આદેશની પણ અવગણના થતી હોવાનું શહેરીજનોમાં ચર્ચાઇ રહ્યું છે.
ડીસા શહેરમાં રખડતા ઢોરની સમસ્યાથી ત્રસ્ત બનેલા શહેરીજનોની અવર નવાર ઉગ્ર રજૂઆતને પગલે પાલિકાએ રખડતા ઢોર પકડવાનો વાર્ષિક કોન્ટ્રાક્ટ આપ્યો છે અને એક ઢોર દીઠ નિયત રકમ પણ કોન્ટ્રાકટર ને ચૂકવવામાં આવે છે તેમ છતાં શહેરના માર્ગો ઉપરથી ઢોરની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી અને રખડતા ઢોરની સમસ્યા યથાવત રહેવા પામી છે. તેથી ઢોર પકડવાની કામગીરી કાગળ ઉપર થતી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે . થોડા સમય અગાઉ ડીસાના શહેરના એક જાગૃત નાગરિક દ્વારા નાયબ કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી અને નાયબ કલેકટર દ્વારા પણ આ મામલે હાઇવે ઓથોરિટી અને નગરપાલિકા સાથે બેઠક યોજી રખડતા ઢોરની સમસ્યાને નાથવા માટે એક સપ્તાહની મુદત આપી તેનો અહેવાલ રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું. તેમ છતાં પણ આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા જે કોન્ટ્રાક્ટરને ઠેકો આપ્યો છે તે કોન્ટ્રાક્ટર અને શાખાના કર્મચારીઓની ખાતાકીય તપાસ થાય તેવી પ્રબળ માંગ શહેરીજનોમાં ઉઠવા પામી છે.