જુનાડીસા નજીક રીક્ષા અને બાઇક ટકરાતાં બે ઘવાયા
ઇજાગ્રસ્તોને ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
ડીસાથી ભોપાનગર જતા જુનાડીસાના ગંગાજી વ્હોળા નજીક ગઈકાલે સવારે રિક્ષાચાલકે આગળ જઈ રહેલ બાઇકને ટક્કર મારતા બાઇક સવાર મહિલા અને પુરૂષને ઈજાઓ પહોંચતા ૧૦૮ વાન મારફત ડીસા સિવિલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા.
ડીસા તાલુકાના જૂનાડીસા ગામે રહેતા ચંદુભાઈ નટ અને તેમના સાળી મંજુલાબેન રમેશભાઈ નટ મંગળવારે સવારના દસેક વાગ્યાના સુમારે પોતાના જીજે-૦૮-સીએ- ૮૦૪૩ નંબરના બાઇક પર ડીસાથી જુનાડીસા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ડીસા તરફથી પાછળ આવી રહેલ જીજે-૦૮-વાય- ૦૩૦૧ નંબરની અતુલ રીક્ષાના ચાલકે પોતાની રિક્ષા પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી બાઇકને પાછળથી ટક્કર મારતા રમેશભાઈ અને મંજુલાબેન નીચે પટકાતા પગ તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં જ ડીસા ૧૦૮ વાનના ઇએમટી રાહુલભાઈ ચૌહાણ અને પાયલોટ મહેન્દ્ર પુરબીયાએ ઘટના સ્થળે દોડી જઈને બંને ઈજાગ્રસ્તોને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.