
કોરોનાના કહેર વચ્ચે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની હડતાલ
વિવિધ માંગણીઓને લઈ નર્સિંગ સ્ટાફે હોબાળો મચાવતાં સમજાવટ બાદ મામલો થાળે પડ્યો.
પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કહેર વચ્ચે બુધવારે નર્સિંગ સ્ટાફ વિવિધ માંગણીઓને લઈ હડતાલ પર ઉતરી જઇ હોબાળો મચાવતા ભારે સિવિલ સત્તાવાળાઓ માં દોડધામ મચી ગઈ હતી. જ્યાં મેનેજમેન્ટ દ્વારા સમજાવટના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જે બાદ મામલો થાળે પડ્યો હતો.
સરહદી બનાસકાંઠા જિલ્લામાં કોરોના નું સંક્રમણ અટકાવવા અને જો દર્દીઓ નોંધાય તો પાલનપુર સિવિલ, ડીસા ગાંધી લિકન હોસ્પિટલને કોવિડ સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. આવા સમયે બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર શહેરમાં આવેલી જિલ્લાની મુખ્ય પાલનપુર સિવિલ હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ બુધવારે વિવિધ માંગણીઓને લઈ હડતાલ પર ઉતરી જઇ હોબાળો મચાવતાં ભારે ઉત્તેજના પ્રસરી ગઈ હતી. જ્યાં તમામ સ્ટાફ હોસ્પિટલની બહાર આવી ગયો હતો.
આ અંગેની જાણ થતાં હોસ્પિટલના સંચાલકો દોડી આવ્યા હતા. અને વાટાઘાટો દ્વારા સમજાવટના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતો. જે બાદ મામલો થાળે પડ્યો હતો.
પાલનપુરની સિવિલ હોસ્પિટલ બનાસડેરી સંચાલિત ગલબાભાઈ નાનજીભાઇ ટ્રસ્ટ હસ્તગત છે. જેમાં નર્સિંગ સ્ટાફ દ્વારા રેગ્યુલર પગાર થતો ન હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. નિમણૂક ઓર્ડર પણ આપવામાં ન આવ્યા હોવાનું અને રહેવા તથા જમવાની પણ કોઇ સુવિધા ન હોવાનું ઉપરાંત પરમેનેન્ટ આઇડી કાર્ડ બનાવી આપવા નર્સિંગ સ્ટાફ દ્વારા માંગ કરી હતી તેમજ હોસ્પિટલના કેન્ટિનમાં ચા અને જમવાના પણ પૈસા લેવામાં આવતા હોવાની રાવ કરવામાં આવી હતી.
સ્ટાફની માંગણીઓ સ્વિકારવામાં આવી છેઃ ડો. સુનિલ જોશી ( સિવિલ હોસ્પિટલ, પાલનપુર)
સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા વિવિધ માંગણીઓના મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી. જે માંગણીઓ સ્વીકારવામાં આવી છે. હોસ્પિટલનું કામ હાલ રાબેતા મુજબ ચાલુ છે.