કારોના વાયરસને લઇ સોશિયલ મીડિયામાં ટીખળ કરનાર સામે તંત્રની લાલ આંખ
સોશિયલ મીડિયામાં ખોટી અફવા ફેલાવનાર સામે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
પાલનપુર
અત્યારે સમગ્ર દેશ અને દુનિયામાં કોરના વાયરસનો હાહાકાર મચ્યો છે. કોરના વાયરસને લઇ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાત દિવસ અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. લોકોના આરોગ્ય સચવાય તે માટે આરોગ્ય વિભાગ રાત દિવસ ખડેપગે છે.આરોગ્યના કર્મચારીઓ ઘરે ઘરે ફરી સર્વે કરી રહ્યા છે પરંતુ આવા સંવેદનશીલ સમયમાં કેટલાક ટીખળખોર લોકો સોશિયલ મીડિયામાં વિવિધ પ્રકારના લખાણો લખી લોકોમાં ભય ફેલાવી રહ્યા છે. આવા તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી તેમની સામે કડક કાર્યવાહી કરી છે.
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના કુવાતા ગામના વિષ્ણુભાઇ વાલાભાઇ પ્રજાપતિ જેઓ તા. ૨૪ માર્ચે મોરબીથી તેમના ઘરે આવ્યા હતા અે સમયે તેમને મીઠી-પાલડી પી.એચ.સી.માં પ્રાથમિક તપાસ બાદ તેમને ૧૪ દિવસ હોમ કવોરોન્ટાઇનમાં રહેવા આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી પરંતુ તારીખ ૨૫ માર્ચના રોજ તેમણે ટિકટોક વીડિયો બનાવી પી.એચ.સી.ના કેસ પેપર ઉપર મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તમારું ધ્યાન રાખજો લખી સોશિયલ મીડિયામાં વાયરલ કરી લોકોમાં ભય ફેલાવવાનું કામ કર્યું છે. રિપોર્ટ કરાવ્યા સિવાય પણ આ રીતનું લખાણ લખી વાયરલ કરતા આરોગ્ય વિભાગે વિષ્ણુભાઇ પ્રજાપતિ સામે દિયોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે તેમ આરોગ્ય વિભાગના અધિકારી ડો. એન. કે. ગર્ગે જણાવ્યું છે.