
અરવલ્લીમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ખતીપાકમાં ભારે નુકશાન; ઘઉં, ચણા, કપાસનો પાક પાણીમાં ગરકાવ
અરવલ્લી જિલ્લામાં શુક્રવારે એકાએક ભારે ગાજવીજ અને વાવાઝોડા કરા સાથે વરસાદ વરસ્યો હતો. શુક્રવારે દિવસ દરમિયાન વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે સાંજના સમયે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. ત્યારબાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો.
જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. મોડાસા, ભિલોડા, મેઘરજ તાલુકામાં કમોસમી વરસાદ થયો છે. જેમાં મોડાસાના વરથું, દધાલિયા, ઉમેદપુરમાં વરસાદથી નુકસાન થયું છે. વરસાદમાં ખડૂતોનો ઘઉં, ચણા, કપાસનો પાક પલળતાં નુકસાન થયું છે. સરકાર દ્વારા નુકસાન સામે વળતર આપવામાં આવે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.
ચણા, વરીયાળી, ઘઉં સહિતના પાક સંપૂર્ણપણે નષ્ટ અરવલ્લી જિલ્લામાં ઘઉંનો પાક તૈયાર થઈ ગયો હતો. ખેડૂતો લણવા માટેની તૈયારીઓ કરી રહ્યા હતા. ત્યારે આફત સ્વરૂપ વરસાદ અને કરા પડતા પાકનો સંપૂર્ણ પણે નાસ થઈ ગયો છે. જિલ્લાના મેઘરજ, ભિલોડા સહિત તમામ જગ્યાએ વરસાદ પડતા જગતના તાતને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ચણા, વરીયાળી, ઘઉં સહિતના પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે. ખેડૂતો માગ કરી રહ્યા છે કે, સરકાર દ્વાકા સત્વરે આનું સર્વે કરાવવામાં આવે.
ખેડૂતો સામે સરકાર મીઠી નજર કરે: ખેડૂત આ મામલે ખેડૂતે જણાવ્યું કે, માવઠાથી ઘઉં, ચણા, મગ, મકાઈનો પાક નષ્ટ થઈ ગયો છે. ખેડૂતો એકદમ નિરાશ થઈ ગયા છે. ઘણું નુકસાન થયું છે. એટલે અમારી નમ્ર વિનંતી છે કે, ગુજરાત સરકાર ખેડૂતો સામે મીઠી નજર કરીને ખેડૂતોને સહાય આપે.