
જર્જરિત શાળા તોડી પડાતાં વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત
મેઘરજના બેડજ પ્રાથમિક શાળામાં આસપાસના ગામના લગભગ 70 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પ્રાથમિક શાળાનું મકાન વર્ષો જૂનું અને જર્જરિત હતું. જેથી આ મકાન તંત્ર દ્વારા નોનયુઝેબલ જાહેર કરી પાડી દેવામાં આવ્યું હતું. જેથી વિદ્યાર્થીઓને અભ્યાસ ક્યાં કરાવવો એ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે મોટો પ્રશ્ન બની ગયો હતો. ત્યારે પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ એક સજ્જન વ્યક્તિને થયું કે મકાન વગર વિદ્યાર્થીઓ ભણી ના શકે અને જો તેમના ના ભણવાથી 70 વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સવાલ પેદા થાય છે. જેથી તે વ્યક્તિએ પોતાના મકાનના બહારની ઓસરી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આપવાનું કહ્યું હતું. હાલ વિદ્યાર્થીઓ મજબૂરી વશ રહેઠાણના મકાનની બહારની ઓસરીમાં બેસી અભ્યાસ કરી રહ્યા છે.
હાલ સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણ માટે કરોડો રૂપિયા ફાળવાતા હોય છે. ત્યારે એક વર્ષથી શાળાનું મકાન પાડી નખાતા વિદ્યાર્થીઓને અભ્યાસ સિવાય પીવાના પાણી તેમજ શૌચાલય સબંધિત વગેરે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. એક વર્ષથી શાળાનું મકાન ના હોવાથી 70 વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધૂંધળું બન્યું છે. ત્યારે તંત્ર જાગૃત થાય અને બેડજની શાળાના મકાનનું કામ ઝડપથી પૂર્ણ કરે તથા વિદ્યાર્થીઓને સુવિધા સભર શિક્ષણ મળે એવી સ્થાનિક અગ્રણીઓની માગ છે.