રાતરાણી
એક વચનસિદ્ધ મહાત્મા પાસે તે યુવાન પહોંચી ગયો.
નમન-વંદન- ચરણ સ્પર્શન અને ગુણોત્કીર્તન રૂપ પૂજન કરી તે યુવાને મસ્તક ઝૂકાવી અને હાથ જાડીને પૂછ્યુંઃ ‘પ્રભો! એક વાત પૂછું?’
ભાષાસમિતિ અને વચનગુપ્તિના ઊંડા રહસ્યોને જાણનારા તે સાધુ મહાત્માએ આંખની પલકો ઝૂકાવીને સંમતિ દર્શાવી.
યુવાને પૂછ્યુંઃ ‘પ્રભો! આપ તો વચનસિદ્ધ મહાપુરુષ છો પણ વચનસિદ્ધિ મેળવવા કયું તપ કરવું પડે? તે મને બતાવશો?’
ઓછું બોલીને ઘણું સમજાવનારા તે મહાત્માએ કહ્યુંઃ ‘મૌનતપ’
‘થોડુંક વિશ્લેષણ કરશો પ્રભો?’ યુવાને જિજ્ઞાસુભાવથી કહ્યું.
મહાત્માએ સૂત્રાત્મક વાણીમાં પ્રકાશ આપ્યોઃ
‘જે પુરુષ પ્રાયઃ મૌન રાખે, બોલવું પડે તો અનલ્પભાવને બતાવનારા અલ્પ શબ્દોનો પ્રયોગ કરે, સિદ્ધપુરુષોનાં વચનોની એક વાણીનો ઉપયોગ કરે, ભાષાથી સિદ્ધ થયેલા વચનોનો વપરાશ કરે, સીધાં અને સાદા વચનો બોલે, અણીશુદ્ધ શુદ્ધ વચનોને પ્રકાશિત કરે. તે પુરુષ વચનસિદ્ધ મહાપુરુષ બની શકે.’
– પં.રાજહંસવિજયજી ગણિ