દુકાળ પડે ત્યારે કોદરા મોંઘા
પ્રતિષ્ઠાનો બોજ લઈને વર્ષોથી ચાલ્યા કરું છું. અતિશય લાંબી માલગાડીના ઍÂન્જનની માફક ક્યારેક હાંફ ચઢે છે. રઝળપાટનો ક્યાંય અંત દેખાતો નથી. ઋતુનાં આવર્તનો હવે કોઠે પડી ગયાં છે. હવે વર્ષા ભીંજવી શકતી નથી, ગ્રીષ્મ પ્રજાળી શકતી નથી અને હેમંત થથરાવી શકતી નથી.
લપસણી લીલ પર ઉભો છું તો ય લોકો મને Âસ્થર ઊભેલા માણસ તરીકે જુએ છે. દોરડી બળે ત્યારે રહી જતી રાખોડીનો કોઈ વળ નથી હોતો. જીવનની બધી આંટીઘૂંટીઓ સ્મશાન ભસ્મ સાથે નદીના પાણીમાં વહી જાય છે. એક નિઃશેષ ભાગાકારનો દાખલો પૂરો થાય છે. અપૂર્ણ માણસોએ જ અપૂર્ણાંકની શોધ કરી હોય એમ જણાય છે.
કલપ લગાડીને એ પોતાના વાળની શ્યામલ પ્રતિષ્ઠા જાળવી રાખવા મથે છે. ચોકઠું પહેરીને એ પોતાના ચહેરાની ઈજ્જત માંડ જાળવી રાખે છે. Âસ્મત વેરીને પોતાના ગુસ્સાને બદનામ થતો બચાવી લે છે. કહે છે કે સૂર્યને ઘણીવાર પોરો ખાવાનું મન થાય છે. એ બિચારો એમ નથી કરી શકતો કારણ કે નિયમિતપણાની સદીઓથી જામેલી પ્રતિષ્ઠા ગુમાવવા એ તૈયાર નથી.
ઘડિયાળનું લોલક અટકી જાય તો ય કાળ અટકતો નથી. વહેતો જ રહે છે કારણ કે ‘અનાદિ’ અને ‘અનંત’ જેવાં વિશેષણો દ્વારા મળેલી પ્રતિષ્ઠા એ ટકાવી રાખવા માગે છે. લાંબી માલગાડીનું ઍÂન્જન જીવનભર હાંફતું રહે છે. ગાલની પ્રતિષ્ઠા જળવાઈ રહે તે માટે તમાચા ખાનારા આ જગતમાં ઓછા નથી.
– ગુણવંત શાહ