ચામડીના રોગમાં ખાવામાં શું પરેજી રાખવી જોઈએ? ખાટું કે છાસ ખાવાથી ખંજવાળ વધી શકે?

સંજીવની
સંજીવની

ચામડીના રોગોને લઈને લોકોમાં એવી માન્યતા છે કે ચામડીના રોગ ખાવા પીવાની આડસરના લીધે જ થાય છે. ખાટું કે આથેલું ખાવાથી અથવા કોઈ બે ત્રણ વસ્તુ ભેગી ખાવાથી ચામડીના રોગ થતા હોય છે તેવું સામાન્ય રીતે લોકો માનતા હોય છે. હકીકતમાં 90% થી વધારે પ્રકારના ચામડીના રોગોને ખાવા પીવા સાથે સીધો કોઈ સંબંધ જ નથી. ગણ્યા ગાંઠ્યા અમુક રોગો જ ખાવામાં કોઈ પોષક તત્વોની ઉણપથી કે ખોરાકમાં આવતા અમુક તત્વોની એલર્જીથી થતા હોય છે. અમુક કેસમાં એવું થઈ શકે કે રોગ થવાનું કારણ અલગ હોય પરંતુ એકવાર રોગ થયા પછી અમુક પ્રકારનો ખોરાક લેવાથી તેના લક્ષણોમાં વધારો થઈ શકે પરંતુ બધામાં નહિ. ખોરાકમાં બિનજરૂરી પરેજી આપવાથી ઘણા લોકો ચામડીના રોગ માટે દવાનો કોર્સ પૂરો કરી શકતા નથી અને ખોટી રીતે હેરાન થતા હોય છે.

હવે આપણે એવા ચામડીના રોગોની વાત કરીશું જે કેટલાક પોષક તત્વોની ઉણપના લીધે થતા હોય છે.

ફ્રાયનોડર્મા: આ રોગ વિટામીન એ(Vitamin A)ની ઊણપથી થાય છે જે બાળકોમાં વધુ જોવા મળે છે. આમાં કોણી અને ઢીંચણ પર ઝીણી ફોલ્લીઓ થાય છે અને ચામડી સુકાય છે.

પેલાગ્રા: આ વિટામીન B3 એટલે કે નીયેસીનની ઉણપથી થાય છે. લાંબા સમયથી દારૂનું વ્યસન હોય તેવા લોકોમાં આ રોગ જોવા મળે છે. તેમાં હાથ-પગ અને ચહેરાના ખુલ્લા ભાગમાં કે જ્યાં સીધા સૂર્યપ્રકાશના કિરણો પડતા હોય તે ભાગમાં રતાશ પડતું ખરજવું થાય છે અને ચામડી સુકાય છે.

મોમાં ચાંદા પડવા, જીભ આવવી કે એન્ગ્યુલર ચીલાઈટીસ (હોઠના ખૂણા પર ક્રેક પડવી): વિટામીન B2 (રીબોફ્લેવિન), B12, ફોલિક એસિડની ઉણપથી આ તકલીફ થઈ શકે છે. દરેક કેસમાં વિટામિનની ઉણપ હોય એવું જરૂરી નથી તે અન્ય કારણોસર પણ થઈ શકે.

વાળ ખરવા: વાળ ખરવા માટે ખાસ કરીને સ્ત્રીઓમાં વિટામીન B7 (બાયોટીન), B12, વિટામીન ડી, ફોલિક એસિડ, લોહ તત્વ (હિમોગ્લોબિનનું ઓછું પ્રમાણ), પ્રોટીન, ઝીંક વગેરેની ઉણપ જવાબદાર હોઈ શકે.

વિટામીન ડીની ઉણપ: વિટામીન ડીની ઉણપ સીધી રીતે ચામડીનો કોઈ રોગ થવા માટે જવાબદાર નથી. પરંતુ તેની ઉણપના કારણે સોરાયસીસ, એટોપિક ડર્મેટાઇટિસ, અર્ટીકેરીયા-શીળસ, માથામાં ઉંદરી જેવા રોગની ગંભીરતા વધી શકે. તેની ઉણપ પૂરી થવાથી આ રોગના લક્ષણોમાં રાહત જોવા મળી શકે.

આ સિવાય વિટામીન કેની ઉણપના કારણે ચામડી પર લોહીના લાલ ચકામાં થવા, વિટામીન ઈની ઉણપના કારણે ચામડી સુકાવી, વિટામીન સીની ઉણપના કારણે ચામડી પર વાળ જોડે લાલ ફોલ્લીઓ થવી, ઝીંકની ઉણપના કારણે ચામડી પર ખરજવું થવું અને ઘામાં જલ્દી રૂઝ ના આવવી જેવા રોગો થાય છે.

હવે એ રોગો જોઈએ જે કેટલાક ખોરાક ખાવાથી થાય છે અથવા તેના લક્ષણોમાં વધારો થાય છે.

અર્ટીકેરીયા (શીળસ): અત્યાર સુધી થયેલા ઘણાં રિસર્ચ મુજબ લાંબા સમયથી થતા શીળસમાં માત્ર 2 થી 5% લોકોમાં જ ખોરાકથી થતી એલર્જી સાથે સીધો સંબંધ હોય છે. જેમાં દહીં, આમલી, છાશ, ખાટાં ફળો, આથાવાળી વસ્તુઓ, દરિયાઈ ખોરાક જેવો કે માછલી, શેલફિશ, ન્ટ્સ (કાજુ, બદામ), પ્રિઝર્વેટિવવાળી વસ્તુઓ વગેરેનો સમાવેશ થાય છે.

ખીલ: મીઠાઈ, દૂધ કે દૂધની બનાવટ, પ્રોટીન પાવડર અને વિટામિન્સના સપ્લીમેન્ટ ખીલમાં વધારો કરી શકે

ડર્મેટાઇટિસ હર્પેટીફોર્મિસ: જે ખાદ્યપદાર્થમાં ગ્લુટેન નામનું તત્વ હોય તેનાથી આ રોગના લક્ષણો વધે છે. ઘઉં, જવ, દૂધ, અમુક પ્રકારનું પ્રોસેસ્ડ ફૂડ કે જેમાં ગ્લુટેન હોય જેમ કે બ્રેડ, પાસ્તા, બિસ્કીટ, કેક, સોસ વગેરેથી આ રોગના લક્ષણો વધે છે. જેને પણ આ બિમારી હોય તેમણે ખોરાકમાં ગ્લુટેન ફ્રી ડાયેટ લેવું જોઈએ. ચોખા, મકાઈ, બાજરી, ચણા, ગ્લુટેન ફ્રી ઓટ્સ, કઠોળ, ઈંડા, માછલી વગેરેમાં ગ્લુટેન ના હોવાથી આ ખાદ્ય પદાર્થો આ રોગ માટે સલામત છે.

ચામડીના રોગમાં અને ખાસ કરીને રોગની દવા ચાલતી હોય ત્યારે ખાટો ખાવું જોઈએ કે નહીં છાશ પીવી જોઈએ કે નહીં? ચામડીના રોગોમાટે દવા ચાલતી હોય ત્યારે છાસ ના પીવી જોઈએ અને ખાટુ ના ખાવું જોઈએ આ એક વર્ષોથી ઊભી કરેલી ગેરમાન્યતા છે. ચામડીના ઘણા રોગો બેક્ટેરિયા, વાયરસ કે ફૂગના ચેપથી થતા હોય છે તેને ખાવા પીવા સાથે કંઈ જ સંબંધ નથી. ઘણા રોગો વાતાવરણના ફેરફારના લીધે, સૂર્યપ્રકાશ કે કેટલાક પ્રકારના ઘાસની એલર્જીના કારણે, જીવજંતુ કરડવાના લીધે, ઓટોઇમ્યુનિટીના લીધે કે અમુક પ્રકારની દવાઓના રિએક્શનના લીધે થતા હોય છે જેને ખોરાક સાથે કોઈ જ સંબંધ નથી. હા અમુક ખોરાક સાથે અમુક દવા લેવાથી કેટલાક લોકોમાં એસિડિટીનું પ્રમાણ વધી જતું હોય છે. પણ એનો મતલબ એવો નહીં કે દરેક લોકોમાં આવું થશે અને દરેક પ્રકારના રોગ અને દરેક પ્રકારની દવામાં આ તકલીફ થશે. તમને કોઈ ખોરાકની એલર્જી હોય અને તેના સેવનથી રોગના લક્ષણો વધતા હોય તો જ એ ખોરાકની પરેજી કરવી જોઈએ. બિનજરૂરી પરેજી કરવાથી કોઈ ફાયદો થતો નથી ઊલટાનું બીજા પોષક તત્વોની ઉણપ સર્જાય તો નુકશાન થઈ શકે.

જનરલ વાત કરીએ તો વધુ પડતો ગળ્યો ખોરાક (મીઠાઈ), મીઠા વાળો ખોરાક, પ્રોસેસ્ડ ફૂડ (પેકેટ વાળો ખોરાક જેવો કે વેફર, બિસ્કીટ, નમકીન, બ્રેડ), સોડા, પેકેટમાં મળતા જ્યુસ, સોફ્ટ ડ્રિંક્સ, મેંદો, પાસ્તા અને જંક ફૂડ (પીત્ઝા,‌ દાબેલી, બર્ગર વડાપાઉં વગેરે) ચામડી અને વાળના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. જ્યારે લીલા શાકભાજી, સીઝન પ્રમાણે ફળફળાદી, ફણગાવેલા કઠોળ, સૂકો મેવો એ ચામડી અને વાળ માટે ફાયદાકારક છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.