સાબરકાંઠાઃ પત્નીએ પ્રેમી સાથે મળી પતિ પોલીસની ક્રુર હત્યા કરી જાતે જ ફરિયાદ નોંધાવી
શહેરનાં કારંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મીનું ૩૯ વર્ષનાં અશ્વીનકુમાર કાંતીલાલ ચાવડાની પત્નીએ પ્રેમી સાથે મળીને હત્યા કરી નાંખી છે. જે અંગેની ફરીયાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાયા બાદ તેની તપાસ એલીસીબીએ કરીને મૃતકની ૫ત્ની, પ્રેમી અને ડ્રાઈવરને ઝડપી લીધા હતા. ગત ૨૯મી જાન્યુઆરીનાં રોજ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદી નિશાબહેન અશ્વીનકુમાર કાંન્તીલાલ ચાવડાએ ફરિયાદ કરી હતી.પત્નીની ફરિયાદને પગલે પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી. જેમાં આખા ષડયંત્રનો ભાંડો ફૂટ્યો હતો. પત્ની નિશાબહેનનાં મનીષકુમાર નામના વ્યક્તિ સાથે આડાસંબંધ હતા. જેની જાણ પતિને થઇ ગઇ હતી. જેના કારણે પતિ પત્નીનો વારંવાર ઝઘડો થતો હતો. પતિને દારૂ પીવાની પણ લત હતી. ફાયદો ઉઠાવીને અમદાવાદમાં મનીષકુમાર તથા તેનો ડ્રાઈવર નિલેશકુમાર કાળાભાઈને સાથે રાખી અશ્વિનકુમાર ચાવડાને કારમાં અમદાવાદથી પ્રાંતિજ તાલુકાના સુખડ ગામની સીમ લઇ ગયા હતા. જ્યાં તેનું ગળુ દબાવીને રોડ પર પટકી તેના પરથી ગાડી ચઢાવીને હત્યા નીપજાવી હતી. ત્યારબાદ નિશાબેનનો પ્રેમી અને ડ્રાઈવર જતા રહ્યા હતા. જે અંગેની ફરીયાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોધાયા બાદ પોલીસે મૃતકની પત્ની નિશાબેને નોધાવેલા અકસ્માતે મોતના ગુનાની ફરીયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.
આ હત્યાનાં ગુનાને અંજામ આપવા માટે મૃતકને તારીખ ૨૮ અને ૨૯ જાન્યુઆરીની રાતે ઘણાં પ્રમાણમાં દારૂ પીવડાવ્યો હતો. જે બાદ દારૂના નશામાં ચકચુર કરી મનિષભાઇની ગાડી અમદાવાદથી પ્રાંતિજ તાલુકાના સુખડ ગામની સીમમાં લઇ આવી ગળે ટુપો દઇ નીચે પાડી મોઢાના તથા શરીરના ભાગે મનિષકુમારે ગાડી ચડાવી હત્યા કરી હતી. આ કેસમાં ત્રણે આરોપીઓને અટકાયત કરીને હત્યામાં વાપરેલી ગાડી તપાસ અર્થે કબજે કરવામાં આવી છે.