
રાધનપુર તાલુકા પંચાયત સંકુલમાંથી બીયરના ૧૦૦ થી વધુ ખાલી ટીન મળતાં ચકચાર
રખેવાળ ન્યુઝ રાધનપુર : રાધનપુર તાલુકા પંચાયત બિલ્ડિંગની મુતરડીની પાછળ કોઈની નજર પણ ના પડે તેવી જગ્યાએથી બીયરના ૧૦૦ થી વધુ ખાલી ટીન અને ઈંગ્લીશ દારૂની ખાલી બોટલો મળી આવતાં ચકચાર મચી જવા પામી છે.નવાઈની વાત તો એ છે કે પોલીસ સ્ટેશન સો ફૂટ જેટલું પણ દૂર નથી. તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન સુરેશભાઈ ઠાકોરે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી તેમજ રાધનપુર પોલીસ સ્ટેશને અને જિલ્લા વિકાસ અધિકારીને જાણ કરી છે અને જેણે પણ આ બીયરના ખાલી ટીન અને ઈંગ્લીશ દારૂની ખાલી બોટલો નાખી હોય તે અંગે તપાસ કરીને કડકમાં કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. તાલુકા પંચાયત કચેરીમાં ત્રીજા માળે પાણીની ટાંકી રાખવામાં આવી છે, જેમાંથી કચેરીના કર્મચારીઓ અને કચેરીની મુલાકાતે આવતા લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન સુરેશભાઈ ઠાકોર ગુરુવારે લગભગ સાડા દસ વાગ્યાના સુમારે ત્રીજા માળે ટાંકી સાફ થાય છે કે નહિ તેની તપાસ કરવા ગયા હતા,પરંતુ ટાંકીની બાજુમાં ત્રીજા માળથી છેક નીચે સુધી બાંધકામ કરેલી જગ્યામાં નજર નાખતાં છેક નીચે લાલ કલરના બીયરના ટીનનો ઢગલો પડેલો જણાતાં તેઓ ચોંકી ગયા હતા અને તાત્કાલિક જિલ્લા પોલિસ અધિક્ષકની કચેરીના કંટ્રોલરૂમ, રાધનપુર પોલીસ અને જિલ્લા વિકાસ અધિકારીને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતાં તાલુકા પંચાયત કચેરીના કર્મચારીઓમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી હતી.