
પદવીદાન સમારોહ / પાટણમાં છૂટક મજૂરી કરતા પરિવારની દીકરીએ વડોદરાની MS યુનિ.માં બાયો કેમેસ્ટ્રીમાં ગોલ્ડ મેળવ્યો
વડોદરા: છૂટક મજૂરી કરતા પરિવારની યુવતીએ બાયો કેમેસ્ટ્રી માસ્ટરમાં ગોલ્ડ મેળવ્યો છે. ગોલ્ડ મેડલ મેળવનાર યુવતીએ જણાવ્યું છે કે, ગોલ્ડ મેડલ મેળવીને મેં મારું અને મારા પરિવારનું સપનું પૂરું કર્યું છે. આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીનો 68મો પદવીદાન સમારંભ યોજાયો હતો. જેમાં 175 ગોલ્ડ મેડલ સાથે વિદ્યાર્થિનીઓએ મેદાન માર્યું હતું. ગુજરાતમાં લાઇફ સાયન્સમાં પી.એચ.ડી. કરવી છેએમ.એસ. યુનિવર્સિટીની હેડ ઓફિસ પાછળ આવેલા કોન્વોકેશન ગ્રાઉન્ડમાં યોજાયેલા પદવીદાન સમારંભમાં બાયો કેમેસ્ટ્રીમાં ગોલ્ડ મેડલ મેળવનાર પાટણની પૂજા મકવાણાએ હર્ષના આંસુ સાથે જણાવ્યું હતું કે, આજે મારું અને મારા પરિવારનું સ્વપ્ન પૂરું થયું છે. મારા પિતા છૂટક મજૂરી કરીને મને અને મારા બે ભાઇઓને ભણાવી રહ્યા છે. આજે મને લાગે છે મારા પિતાએ પેટે પાટા બાંધીને મને ભણાવી છે, ત્યારે તેમનું ઋણ આ ભવમાં ઉતારી શકુ તેમ નથી. મારા પિતા મને મારી ઇચ્છા મુજબ ભણાવવા આજે પણ તત્પર છે. ત્યારે હું સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં લાઇફ સાયન્સમાં પી.એચ.ડી. કરવા માંગુ છું. હું વડોદરામાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી. પૂજાના માતા-પિતા પદવીદાન સમારંભમાં હાજર રહ્યા પૂજાએ વધુમાં જણાવ્યું હતું કે, હું પાટણ છોડીને વડોદરા ભણવા આવી ત્યારે મારું એક માત્ર લક્ષ્ય અભ્યાસમાં હતું. કારણ કે, મારા પિતા જે રીતે મજૂરી કામ કરીને મારા અભ્યાસ માટે ખર્ચ કરતા હતા, તેનું વળતર ન આપું તો તે મારા માટે યોગ્ય ન હતું. આથી મેં નક્કી કર્યું હતું કે, બાયોકેમેસ્ટ્રીમાં ગોલ્ડ મેડલ લાવીશ. આજે હું ખૂબ ખૂશ છું. આજે મારી અને મારા પરિવારની ઇચ્છા પૂરી કરી છે. આજે મારા માતા-પિતા પદવીદાન સમારંભમાં હાજર રહ્યા હતા. 280 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા 68માં પદવીદાન સમારંભમાં 14 ફેકલ્ટીના 165 વિદ્યાર્થીઓને 280 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં 105 વિદ્યાર્થીઓ અને 175 વિદ્યાર્થિઓને એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં ફેકલ્ટી ઓફ ટેકનોલોજીના વિદ્યાર્થીઓને સૌથી વધુ 29 અને સાયન્સ ફેકલ્ટીમાં સૌથી વધુ 28 ગોલ્ડ મેડલ મળ્યા હતા. પદવીદાન સમારંભમાં ચિફગેસ્ટ તરીકે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ચેરમેન પ્રો. ડી.પી. સિંહ, ચાન્સેલર શુંભાગીનીરાજે ગાયકવાડ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા