
ઐતિહાસિક પાટણ નગરનો ૧૨૭૪ મો બર્થ ડે, રાજપૂત રાજા-મહારાજા,વીરાંગનાઓનો ઇતિહાસ ભણાવવા રાજવીઓનો સૂર
પાટણ નગરનો ૧૨૭૪ મો સ્થાપના દિન શનિવારે અલગ અલગ સ્ટેટના રાજવીઓની ઉપસ્થિતિમાં છેલ્લા ૧૮ વર્ષની પરંપરા મુજબ આનંદોલ્લાસ અને ઐતિહાસિકતાના માહોલમાં ઉજવાયો હતો. જેમાં વિરાંજલી સમારોહ,શોભાયાત્રા અને લોકડાયરો એમ ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતા.આજના પ્રસંગે ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ કરનાર રાજપૂત સમાજની ૧૫૦ દીકરીઓ દ્વારા સામૂહિક તલવાર રાસ રજુ કરીને ક્ષત્રાણીની ખમીરી ઝળકાવી હતી.આ પ્રસંગે રાજવીઓએ ક્ષત્રિયોનો ઇતિહાસ ભવ્ય છે તેમ ભવિષ્ય પણ આધુનિક ટેકનોલોજીના યુગમાં ભવ્ય બનાવવા તત્પર બનવા પર ભાર મૂક્યો હતો. અન્ય ઇતિહાસ ઘણા ભણાવ્યા હવે રાજપૂત રાજા મહારાજા અને વીરાંગનાઓના ઇતિહાસને ભણાવવા જણાવ્યું હતું.
પાટણનો ૧૨૭૪ માં સ્થાપના દિન નિમિત્તે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા રાજમાતા નાયકાદેવીની વિરતાને ઉજાગર કરવા તેમની થીમ પર ૧૯મા સ્થાપના દિનની ઊજવણીમાં સવારે જૂની શિશુ મંદિર શાળા ખાતે અન્ન નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી ધમેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં વિરાંજલી સમારોહ યોજાયો હતો. જેમાં લુણાવાડા સ્ટેટના સોલંકી કુળના વંશજ હિજ હાઇનેશ મહારાણા સિદ્ધરાજસિંહ સોલંકી, કટોસણ સ્ટેટના ધર્મપાલસિંહ ઝાલા, વણોદ સ્ટેટના ઇનાયતખાનજી રાઠોડ, મહિલા રાજપૂત પ્રદેશ અધ્યક્ષ દશરથબા પરમાર, સહિત રાજપૂત સમાજના અગ્રણીઓએ પૂર્વજ રાજાઓ અને રાજમાતા નાયકાદેવીને પુષ્પાંજલી અર્પી તેમની શૂરવીરતાને યાદ કરી હતી.
સમારોહ બાદ કાલીકા માતાજી મંદિરથી બગવાડા સુધી શોભાયાત્રાનું રાજવીઓ દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં નિશાન ડંકો,૧૦ ઘોડેસવાર, બાઈક સવારો અને શહેરની વિવિધ સંસ્થાઓ અને શાળાઓની ૬ જેટલા ટેબ્લો તેમજ સૌથી પાછળ રાજવી ઠાઠથી શણઘારેલ બગિયો, બે બેન્ડવાજા સાથે ૧ કીમી જેટલી શોભાયાત્રામાં તલવાર બાજી પણ જોવા મળી હતી.વેપારી મહામંડળ દ્વારા રાજવીઓ અને પાલિકાના સત્તાધીશોનું સન્માન કર્યું હતું.બગવાડા ખાતે શોભાયાત્રા સન્માન સમારોહમાં ફેરવાઈ હતી.
મહાનુભાવોના ઉદગાર
* મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા( હકુભા) ઃ ક્ષત્રિય રાજપુતોનો ઇતિહાસ ખૂબ જ ભવ્ય રહ્યો હતો ત્યારે ભવિષ્ય પણ ખૂબ જ ઉજળું બને તે માટે તમામ સમાજની સારી બાબતોને અપનાવવી જોઇએ.
* બળવંતસિંહ રાજપૂત ઃ વર્તમાન સમયમાં માથા વાઢીને નહીં પરંતુ માથા ગણીને રાજ થાય છે ત્યારે અન્ય સમાજની સાથે રાજપૂત સમાજે પોતાની પ્રગતિ તરફ આગળ વધવું પડશે.
* ડો .જયેન્દ્રસિંહ જાડેજા ઃ રાજ્પુતોના ભવ્ય ઇતિહાસમાં મહાન રાજાઓ સાથે અનેક રાજપુતાણીઓ અને વીરાંગનાઓ થઈ ગઈ છે પરંતુ તેમનો ઇતિહાસ દબાઈ ગયો છે ત્યારે આ વર્ષથી મહાન રાજમાતા નાયકા દેવીના પાત્રને ઉજાગર કરાયું તે પ્રશંસનીય છે.
* ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા ઃ મહાન સમ્રાટ રાજવીઓને યાદ કરવા અને ભવિષ્યની પેઢીને તેમને વિષે માહિતગાર કરવા ઉત્સવો ખૂબ જ જરૂરી છે.
* દશરથબા પરમારઃ પાટણ અને બનાસકાંઠામાં ક્ષત્રિય મહિલાઓમાં મલાજો વધારે છે. અહીં છુટાછેડા, લડાઇ ઝગડા, આંતરજ્ઞાતિય લગ્ન જેવા સામાજિક પ્રશ્નો નથી તે ધન્યવાદને પાત્ર છે.
ધારાસભ્ય કિરીટ પટેલે શહેરના સ્થાપના દિનની ઉજવણીમાં અલ્પસંખ્યામાં લોકો જોડાતા હોઇ તેનું દુઃખ વ્યક્ત કર્યું હતું અને આગામી ૧૨૭૫માં સ્થાપના દિનમાં સમગ્ર શહેર જોડાય તે માટે રાજપુત સમાજ સહિત શહેરના અગ્રણીઓ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવે તેવી અપીલ કરી હતી.
શહેરના યુવા ગાયક સંગીત કલાકારો નીરવગાંધી,શ્રુતિ ત્રિવેદી , જીગર કનસારા અને ગોવિદભાઈ સોલંકી દ્વારા સ્થાપનાદિન નિમિતે સ્પેશ્યલ પ્રાચીન વિરાસત અને ઇતિહાસને ઉજાગર કરતું એક પુન્યધરા પાટણ નામનું ગીત લોન્ચ કર્યું હતું જેમાં શબ્દો મહાકાલી માતાજીના મહારાજ અશોક વ્યાસે લખ્યા હતા. તેનું પ્રોડેકશન રોશન ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું છે. સ્થાપના દિવસે સોશ્યલ મીડિયામાં ગીત ગુંજતું રહ્યું હતુ.
શનિવારના અંકમાં દિવ્યભાસ્કર દ્વારા પાટણના ઇતિહાસનો અહેવાલ રજુ કર્યો હતો.તેમાં હાલમાં ધોરણ ૧ થી ૮ ના પુસ્તકો શિક્ષકો પાસે ચેક કરાવીને ધોરણ ૪ અને ૭ માં જે જાણકારી પીરસવામાં આવેલી છે તે પણ દર્શાવ્યું હતું. રાજમાતા નાયકા દેવીની થીમ આધારીત ઉજવણી કરાઇ ત્યારે ધોરણ ૭ માં તેઓની વિરતાની નોંધ લેવાયાનો પણ ભાસ્કરમાં અહેવાલ છે તેની નોંધ કાર્યક્રમ સંચાલનકર્તા મદારસિંહ ગોહીલે એનાઉન્સ કરતાં તાલીઓ ગુંજી ઉઠી હતી.