અરવલ્લી જિલ્લામાં ખેડૂતો સાથે ભાડા કરાર કરી ટ્રેક્ટરો મેળવી છેતરપિંડી આચરતી શાતીર ગેંગનો સ્થાનિક ગુના શોધક શાખા (LCB), માલપુર અને મેઘરજ પોલીસની સંયુક્ત ટીમે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા ૬ જેટલા આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યા મુજબ, આ આરોપીઓ ખેડૂતો પાસેથી ભાડેથી ટ્રેક્ટર લઈ તેને સૌરાષ્ટ્ર વિસ્તારમાં સસ્તા ભાવે વેચી મારીને મોટી ઠગાઈ આચરતા હતા. માલપુર અને મેઘરજ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદોના આધારે કાર્યવાહી કરતા પોલીસે ૨૦ ટ્રેક્ટર, ૧ જેસીબી અને ૧૦ ટોલી મળી કુલ ₹૪ કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઝડપાયેલા તમામ ૬ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેમના ૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ અંગે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, રિમાન્ડ દરમિયાન આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય શખ્સો સુધી પહોંચવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.





