રાજ્ય સરકાર ગામડાઓના વિકાસના ખોટા બણગા ફૂંકે છે : સરપંચોનો સૂર
બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આવેલી એક ખાનગી હોટલમાં સરપંચ એસોસિયેશનની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ડીસા તાલુકા સહિત જિલ્લાના સરપંચોએ ગ્રામીણ વિકાસ અને પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને રાજ્ય સરકાર સામે ભારે નારાજગી અને આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક પ્રતિનિધિઓએ આક્ષેપ કર્યો હતો કે રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસની ખોટી વાતો કરવામાં આવે છે, તેની વાસ્તવિક પોલ આજે ગામડાઓના સરપંચો ખોલી રહ્યા છે.
બેઠક દરમિયાન રોડ-રસ્તા, પીવાના પાણીની સમસ્યા, સાફ-સફાઈ, પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ પ્રધાનમંત્રી સડક યોજના સહિત પ્રજાલક્ષી અનેક યોજનાઓ અને કામોમાં પડતી મુશ્કેલીઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં આગામી ૨૩ ઓક્ટોબરે ગાંધીનગર ખાતે યોજાનારા 'ગુજરાત સરપંચ મહાસંમેલન' અંગે ખાસ ચર્ચા થઈ હતી અને ડીસા સરપંચ એસોસિયેશનને આ સંમેલનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
સરપંચ એસોસિયેશનના પ્રતિનિધિઓએ ચીમકી આપતાં જણાવ્યું હતું કે, ગાંધીનગર ખાતે યોજાનારા મહાસંમેલનમાં સમગ્ર ગુજરાતના તમામ સરપંચો એકઠા થશે. જો રાજ્ય સરકાર દ્વારા સરપંચોની પડતર માંગણીઓ અને ગાઈડલાઈન અંગે તુરંત ઉકેલ લાવવામાં નહીં આવે, તો આ સંમેલનમાંથી જ સરકાર સામે ઉગ્ર આંદોલનનું રણશિંગું ફૂંકવામાં આવશે અને સમગ્ર ગુજરાતમાંથી સરપંચો સરકાર સામે વિરોધ નોંધાવશે.





