પાલનપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા જાળવવા મહત્વનો નિર્ણય
ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા પરિસરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે નગરપાલિકા તંત્ર દ્વારા મહત્વ નો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પાલિકા પરિસરમાં ગુટકા, પાન મસાલા કે અન્ય તમાકુ જન્ય પદાર્થો ખાઈને થૂંકનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
પાલનપુર નગરપાલિકા પરિસર માં આવતા અરજદારો, મુલાકાતીઓ અને અન્ય લોકો નિયમનું પાલન કરે તે માટે વિવિધ સ્થળોએ ચેતવણીરૂપે પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં સ્પષ્ટ જણાવાયું છે કે, પાલિકા પરિસરમાં ગુટકા કે પાન મસાલા ખાઈને થૂંકતા પકડાશો તો રૂ. 500નો દંડ વસૂલવામાં આવશે.નગરપાલિકા તંત્ર દ્વારા જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા, કચરો નહીં ફેંકવા તેમજ પરિસરમાં થૂંક નહીં કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. પાલિકા તંત્રનું માનવું છે કે, દંડની કાર્યવાહી સાથે નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ વધશે અને પાલિકા પરિસર વધુ સ્વચ્છ રહેશે.સ્વચ્છ અને સુંદર પાલનપુરના નિર્માણ માટે નાગરિકો પાલિકા તંત્રને સહયોગ આપે અને જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવામાં પોતાની જવાબદારી નિભાવે તેવી અપીલ કરવામાં આવી છે.





