મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના શાહપુર વડ ગામે બનેલી યુવકના આપઘાતની ઘટનામાં ચોંકાવનારો અને રહસ્યમય વળાંક સામે આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ યુવકે આત્મહત્યા કરતા પહેલા લખેલી સુસાઇડ નોટના આધારે તપાસ હાથ ધરતા તંત્રને ગંભીર ખુલાસો મળ્યો છે. સુસાઇડ નોટના આધારે મોટા રહસ્ય પરથી પરદો ખોલી દીધો છે.
ઘટનાની વિગત મુજબ, મૃતક યુવક ગીરીશ પરમારે વડનગર સિવિલ હોસ્પિટલના ચોથા માળ પરથી કૂદી આત્મહત્યા કરી હતી. ઘટના બાદ પોલીસ તથા વહીવટી તંત્ર તરત જ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મળેલી સુસાઇડ નોટના આધારે અધિકારીઓએ મૃતકના નિવાસસ્થાને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વડનગર મામલતદાર, પ્રાંત અધિકારી સહિત પોલીસ સ્ટાફ દ્વારા મૃતકના ઘરે ખોદકામ કરવામાં આવ્યું હતું. જેમાં ઘરના પાછળના રૂમમાંથી બે કંકાલ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. મળેલ કંકાલોને વધુ વૈજ્ઞાનિક તપાસ માટે એફ.એસ.એલ. (FSL) ખાતે મોકલવામાં આવ્યા છે.
સુસાઇડ નોટમાં કરાયેલા ઉલ્લેખ મુજબ મૃતક યુવકે પોતાની પત્ની પ્રિયંકા યોગી તથા એક દીકરીને ઘરમાં દફનાવ્યાનો સંકેત આપ્યો હોવાનું જાણવા મળે છે. મૃતક પરિવાર સાથે રહેતો હતો અને તેને બે જુડવા દીકરીઓ હોવાનું પણ જાણવા મળ્યું છે. જેમાંથી એક દીકરી હાલ મૃતકની બહેનના ઘરે હોવાની પ્રાથમિક માહિતી મળી છે. પ્રાથમિક તબક્કે આ સમગ્ર મામલો પારિવારિક વિવાદ સાથે સંકળાયેલો હોવાનો અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જોકે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે.
આ દરમિયાન વડનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. દવે તથા ખેરાલુ ડિવિઝનના ડી.વાય.એસ.પી. સહિતનો પોલીસ સ્ટાફ અને એફ.એસ.એલ.ની ટીમ સ્થળ પર ખડે પગે રહી કામગીરી સંભાળી રહી હતી. કડકડતી ગરમી વચ્ચે પણ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવામાં આવી રહી હોવાથી તેમની કામગીરી બિરદાવા લાયક રહી છે. તે સાથે ગામના સરપંચ સહિત ગામના યુવાનો પણ મોટી સંખ્યામાં સ્થળ પર હાજર રહી સહકાર આપતા જોવા મળ્યા હતા. ખાસ કરીને આકરા તાપમાનમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ માટે પાણી સહિતની જરૂરી સેવાઓ પૂરી પાડવામાં ગ્રામજનો તત્પર રહ્યા હતા. પોલીસ દ્વારા જણાવાયું છે કે સમગ્ર મામલે વૈજ્ઞાનિક અને કાનૂની દૃષ્ટિએ સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આવનારા દિવસોમાં વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે.





