સ્થાનિક સ્વરાજની ચૂંટણીને માટે કોંગ્રેસનું સામાજિક શક્તિ પ્રદર્શન-ભાજપ
મહેસાણા શહેરમાં ઠાકોર, દરબાર અને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પોલીસની કામગીરીના વિરોધમાં ખૂબ જ મોટી રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લાના કડી શહેરમાં ગત થોડા દિવસ અગાઉ એક યુવક પર થાહેલા જીવલેણ હુમલાના વિરોધમાં સમગ્ર ક્ષત્રિય સમાજમાં ભરેલા અગ્નિ જેવો રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા જે રીતે તપાસના નામે ગુનેગારોને છાવરાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમજ રાજકીય નેતાઓના દબાણ હેઠળ ગુનેગારોને બચાવવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપ સાથે આજરોજ મહેસાણા ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા મહારેલી યોજવામાં આવી હતી. જેમાં મહેસાણા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને ન્યાયની માંગ કરવામાં આવી છે.
કડીમાં ગત થોડા દિવસો અગાઉ મનીષભાઈના પુત્ર યુવરાજ પર કેટલાક અસામાજિક તત્વોએ ઘાતકી હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવરાજના શરીરમાં 40 જેટલા ફ્રેક્ચર થયા હતાં. ત્યારે બાદ તેના પરિવારે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી જેમાં ગુનેગારોના નામ FIRમાંથી બાકાત રાખ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ક્ષત્રિય સમાજના આગેવાનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ઘટના બને આશરે 25 દિવસ જેટલો સમય વીતવા છતાં પણ મહેસાણા પોલીસ દ્વારા યોગ્ય દિશામાં તપાસ કરવામાં આવી નથી અને રાજકીય મોટા માથાઓના ઈશારે વાસ્તવિક ગુનેગારોના નામ FIRમાંથી બાકાત રાખવામાં આવી રહ્યા છે અને પોલીસ દ્વારા યેનકેન પ્રકારે તેમને છાવરવામાં આવી રહ્યા હોવાનું પણ પીડિત પરિવારે જણાવ્યું હતું.
આ રેલીમાં મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે કહ્યું હતું કે, મહેસાણા અને અમદાવાદ જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો ન્યાયની માંગ સાથે એકઠા થયા છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ વિરોધ કોઈ ચોક્કસ જ્ઞાતિ કે સમાજ સામે નથી, પરંતુ જે ગુનેગારોએ આ પ્રકારનું કૃત્ય કર્યું છે અને જે લોકો તેમને આશ્રય આપી છાવરી રહ્યા છે. તેમની સામે છે ક્ષત્રિય સમાજે બાંયો ચડાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા સંતોષકારક કામગીરી કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ક્ષત્રિય સમાજની મુખ્ય માંગ છે કે, આ કેસમાં કલમ 307 મુજબ ગુનો નોંધવામાં આવે અને કોઈ પણ રાજકીય વગ ધરાવતા શખ્સના દબાણમાં આવ્યા વગર સાચા ગુનેગારોની ધરપકડ કરવામાં આવે.
જો આગામી દિવસોમાં પોલીસ દ્વારા સંતોષકારક કામગીરી કરવામાં નહીં આવે, તો સમાજ દ્વારા આંદોલન વધુ તેજ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. કલેક્ટર અને ડીએસપીને અપાયેલા આવેદનપત્રમાં ન્યાયિક તપાસની માગ કરવામાં આવી છે. જોકે શાસક પક્ષના નેતાઓએ આ રેલીને રાજકીય રેલી ગણાવી આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ પ્રેરિત સામાજિક શક્તિ પ્રદર્શન ગણાવ્યું છે.





